


મહેસાણા, 20 માર્ચ (હિ.સ.) : મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકાની મોદીપુર પ્રાથમિક શાળામાં શિક્ષણને રસપ્રદ બનાવવા એક અનોખી પહેલ હાથ ધરાઈ છે. “રમતાં-જમતાં અંગ્રેજી શીખો” પ્રોજેક્ટ હેઠળ શિક્ષિકા આશાબેન સથવારાએ મધ્યાહન ભોજનની થાળીને જ શિક્ષણનું સાધન બનાવી દીધું છે.
ધોરણ 5 થી 8ના વિદ્યાર્થીઓમાં અંગ્રેજી પ્રત્યેનો ડર અને નબળું શબ્દભંડોળ ધ્યાનમાં લઈ આ પ્રયોગ શરૂ કરવામાં આવ્યો. શાળાની 76 થાળીઓની પાછળ અંગ્રેજી શબ્દો, ઉચ્ચાર અને ગુજરાતી અર્થ લખવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓ ભોજન પહેલાં અને પછી આ શબ્દો વાંચીને સહજ રીતે શીખી રહ્યા છે.
આ પ્રયોગનો સારો પરિણામ જોવા મળ્યો છે. માત્ર એક વર્ષમાં 34 વિદ્યાર્થીઓએ 300થી વધુ અંગ્રેજી સ્પેલિંગ શીખી લીધા છે. સાથે જ કેરમ અને ચુંબકીય રમતો દ્વારા પણ શીખવાની પ્રક્રિયા વધુ રસપ્રદ બનાવવામાં આવી છે. કોઈ વધારાના ખર્ચ વગર, રોજિંદા પ્રવૃત્તિને શિક્ષણ સાથે જોડતો આ પ્રયાસ બાળકોમાં આત્મવિશ્વાસ વધારવા અને અંગ્રેજીનો ડર દૂર કરવા માટે પ્રેરણાદાયી બની રહ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR