
જુનાગઢ, 20 માર્ચ (હિ.સ.) : રાજ્ય ચૂંટણી આયોગ, ગાંધીનગરના મુજબ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીના ભાગરૂપે કેશોદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી અને બાંટવા નગરપાલિકાના વોર્ડ નં. ૩ ની પેટાચૂંટણી માટેની મુસદ્દારૂપ ફોટાવાળી મતદારયાદી આગામી તા.૨૩/૦૩/૨૦૨૬ના રોજ પ્રાથમિક તબક્કે પ્રસિદ્ધ કરવામાં આવશે. ચૂંટણી પ્રક્રિયાના સુચારુ સંચાલન અને પારદર્શિતા માટે આ યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે.
તાજેતરમાં જાહેર કરાયેલ સત્તાવાર વિગતો મુજબ, આગામી તા.૨૩/૦૩/૨૦૨૬ના રોજ નગરપાલિકાઓની આ ફોટાવાળી મુસદ્દારૂપ મતદારયાદી જે-તે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની મુખ્ય કચેરીએ, તમામ વોર્ડ ખાતે તેમજ મતદાર નોંધણી અધિકારી અથવા મદદનીશ મતદાર નોંધણી અધિકારીની કચેરીએ પ્રસિદ્ધ કરવામાં આવશે.
કેશોદ અને બાંટવા નગરપાલિકા વિસ્તારના તમામ મતદારો આ કચેરીઓ ખાતે ઉપલબ્ધ યાદીમાં પોતાના નામની ચકાસણી કરી શકશે. જો પ્રસિદ્ધ થયેલ મતદારયાદી અંગે કોઈને નામ ઉમેરવા, સુધારવા કે અન્ય કોઈ વાંધા હોય, તો તેઓ નિયત નમૂનામાં પોતાની દાવા અરજી નિર્ધારિત સમય-મર્યાદામાં સંબંધિત મતદાર નોંધણી અધિકારી અથવા નિર્દિષ્ટ અધિકારી સમક્ષ રજૂ કરી શકશે. સંબંધિત વિસ્તારના તમામ નાગરિકોને આ પ્રક્રિયાનો લાભ લેવા અને મતદારયાદીમાં વિગતોની ખરાઈ કરી લેવા અપીલ કરવામાં આવી છે. તેમ અધિક જિલ્લા ચૂંટણી અધિકારી એ જણાવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ