ગાંધીનગર રેડ ક્રોસ સોસાયટીને મળ્યું ‘બ્લડ સેન્ટર’નું લાયસન્સ, રક્તદાન શિબિરો યોજવા જાહેર જનતાને અપીલ
ગાંધીનગર, 20 માર્ચ (હિ.સ.) : ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, ગાંધીનગર જિલ્લા શાખા માટે એક ગૌરવપૂર્ણ સમાચાર છે. સંસ્થાને હવે સત્તાવાર રીતેબ્લડ સેન્ટરનું લાયસન્સ પ્રાપ્ત થઈ ગયું છે. આ નવી સુવિધા સાથે હવે રક્તને લગતી તમામ પ્રક્રિયાઓ ગાંધીનગર ખાતે જ સંપન્
રેડક્રોસ


ગાંધીનગર, 20 માર્ચ (હિ.સ.) : ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, ગાંધીનગર જિલ્લા શાખા માટે એક ગૌરવપૂર્ણ સમાચાર છે. સંસ્થાને હવે સત્તાવાર રીતેબ્લડ સેન્ટરનું લાયસન્સ પ્રાપ્ત થઈ ગયું છે. આ નવી સુવિધા સાથે હવે રક્તને લગતી તમામ પ્રક્રિયાઓ ગાંધીનગર ખાતે જ સંપન્ન થશે, જેનો સીધો લાભ જિલ્લાના પ્રજાજનોને મળશે.

અકસ્માતમાં ઘવાયેલા દર્દીઓ, સગર્ભા મહિલાઓ, કેન્સર અને થેલેસેમિયાથી પીડાતા બાળકો માટે નિયમિત લોહીની જરૂરિયાત રહે છે. ઘણીવાર ઓપરેશન સમયે રક્તની અછતને કારણે દર્દીના પરિવારજનોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાને રાખીને રેડ ક્રોસ સોસાયટીએ જિલ્લાભરમાં મોટા પાયે “રક્તદાન શિબિરો” યોજવાનો ભગીરથ સંકલ્પ કર્યો છે.

ગાંધીનગર શહેર અને જિલ્લાની તમામ સંસ્થાઓ જેવી કે,કોલેજો અને આઇ.ટી.આઇ,બેંકો અને વીમા કંપનીઓ,GIDC એકમો અને કર્મચારી સંગઠનો,દૂધ ડેરીઓ અને સહકારી મંડળીઓ,સાંસ્કૃતિક, સામાજિક અને સખી મંડળો વગેરે જેવા તમામ સંગઠનોને આગળ આવીને રક્તદાન શિબિરો યોજવા માટે રેડ ક્રોસ સોસાયટી વિનંતી કરે છે. આ એકત્રિત થયેલ રક્ત ગાંધીનગર જિલ્લાના કોઈપણ દર્દીને જરૂરિયાત સમયે સરકારી નિયમ મુજબના ટોકન ચાર્જથી 24 કલાક ઉપલબ્ધ કરાવવામાં આવશે.

રક્તદાન શિબિર યોજવા ઈચ્છતા આયોજકોને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી-ગાંધીનગર જિલ્લા શાખા દ્વારા સંપૂર્ણ માર્ગદર્શન અને જરૂરી ટેકનિકલ સહકાર પૂરો પાડવામાં આવશે.

આપની સંસ્થામાં રક્તદાન કેમ્પ યોજવા માટે તારીખ, સ્થળ અને સમયની વિગતો સાથે ગાંધીનગર જિલ્લા શાખાના કાર્યાલયનો સંપર્ક કરવા જણાવાયું છે, જેથી પૂર્વ તૈયારીઓ સાથે આયોજનને સફળ બનાવી શકાય.

આપણે સૌ સાથે મળીને આ માનવતાવાદી કાર્યમાં સહભાગી બનીએ અને જરૂરિયાતમંદોનું જીવન બચાવવામાં નિમિત્ત બનીએ.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande