


મહેસાણા, 20 માર્ચ (હિ.સ.) વિશ્વ ચકલી દિવસ નિમિત્તે સેવા સજીવ સેતુ સંસ્થાએ પક્ષી સંરક્ષણ માટે સરાહનીય કામગીરી કરી છે. સંસ્થાની તરફથી કુલ 2000 ચકલીના માળાનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવ્યું, જેમાં શહેરની વિવિધ શાળાઓ અને વિસ્તારોને આવરી લેવામાં આવ્યા.
આ કાર્યક્રમ અંતર્ગત સવારે 10:30 કલાકે ટીપી રોડ, દ્વારકાપુરી ફ્લેટ નજીક આવેલી સરકારી શાળામાં માળાનું વિતરણ કરવામાં આવ્યું. ત્યારબાદ સવારે 11:45 કલાકે રાધનપુર રોડ પર આવેલી એક્ષોટીકા સ્કૂલમાં વિતરણ યોજાયું. આ ઉપરાંત ગુરુકુલ સ્કૂલ રાધનપુર રોડ અને રેમ્બો સ્કૂલમાં પણ માળા આપવામાં આવ્યા.
વિગતો મુજબ એક્ષોટીકા સ્કૂલમાં 1100 માળા, સરકારી શાળામાં 300 માળા અને રેમ્બો સ્કૂલમાં 60 માળાનું વિતરણ થયું હતું. આ અભિયાનનો મુખ્ય હેતુ ચકલી સહિતના નાના પક્ષીઓને સુરક્ષિત રહેઠાણ મળી રહે અને તેમની સંખ્યા વધે તેવો છે.
વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ઉત્સાહભેર આ અભિયાનમાં ભાગ લીધો અને પોતાના આસપાસ માળા લગાવવાનો સંકલ્પ કર્યો. આ પહેલ દ્વારા પર્યાવરણ જાળવણી અને પક્ષી સંરક્ષણ અંગે મહત્વપૂર્ણ સંદેશ આપવામાં આવ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR