

પાટણ, 20 માર્ચ (હિ.સ.) : સિંધી સમાજ દ્વારા ચૈત્ર સુદ બીજ, શુક્રવારના રોજ ઈષ્ટદેવ ઝૂલેલાલ ભગવાનના જન્મોત્સવ અને નૂતન વર્ષ ‘ચેટીચંદ’ની ઉજવણી ચાચરિયા ચોક ખાતે ભવ્ય રીતે કરવામાં આવી. વહેલી સવારથી ઝૂલેલાલ ભગવાન, હિંગળાજ માતાજી અને અખંડ જ્યોત સાહેબના સાનિધ્યમાં ધાર્મિક વિધિઓનો પ્રારંભ થયો અને મોટી સંખ્યામાં સમાજજનોએ હાજરી આપી.
સવારે ભગવાનનો શાહી શણગાર કરવામાં આવ્યો. સ્નાનવિધિ નરેશ પોહાણી દ્વારા, વસ્ત્ર પહેરામણી મહેન્દ્ર ઠક્કર દ્વારા અને મુગટ-કવચ-કુંડળ વિધિ ચંદીરામ ઠક્કર દ્વારા કરવામાં આવી. દુશાલા અને તિલક વિધિ રૂપચંદ ઠક્કર દ્વારા, હાર પહેરામણી નાનુંમલ ઠક્કર દ્વારા તથા ધજા પૂજન જય ઝૂલેલાલ મહિલા મંડળ દ્વારા થયું. આરતી ગોરધનદાસ ગોપાલદાસ ઠક્કર પરિવાર દ્વારા કરવામાં આવી.
ઉત્સવ દરમિયાન નાસ્તાની વ્યવસ્થા દિનેશ નારવાણી અને ચંદ્રકાંત ઠક્કર દ્વારા તથા શરબત સેવા રાજેશકુમાર ઠક્કર દ્વારા પૂરી પાડવામાં આવી. ભૈરાણાં કાર્યક્રમમાં ઝૂલેલાલ રાસ મંડળના ભજનો સાથે ભક્તિભાવનું માહોલ સર્જાયો અને પરંપરા મુજબ માટલી વિધિ પણ કરવામાં આવી.
બપોરે ખાડિયા મુકામે સામૂહિક ભોજન યોજાયું, જ્યારે સાંજે ગિરધારીલાલ ઠક્કરના યજમાનપદે રથ સવારી યોજાઈ. સમગ્ર મહોત્સવમાં પાટણના સિંધી સમાજે ઉત્સાહપૂર્વક ભાગ લઇ નૂતન વર્ષની વધામણી કરી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ