
- ફેરિયાને ફરી પુનઃસ્થાપિતના હાઇકોર્ટના હુકમને સુપ્રીમએ સ્ટે આપ્યો
અમદાવાદ, 20 માર્ચ (હિ.સ.) : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને મોટી રાહત આપતા, સુપ્રીમ કોર્ટે ભદ્ર પરિસરમાં 'સ્ટેટસ ક્વો' જાળવી રાખવાનો નિર્દેશ આપ્યો છે. ફેરિયાને ફરી પુનઃસ્થાપિતના હાઇકોર્ટના હુકમને સુપ્રીમએ સ્ટે આપ્યો
કોર્ટે સ્પષ્ટપણે આદેશ આપ્યો છે કે વિસ્તારના જાહેર માર્ગો કે ફૂટપાથ પર કોઈપણ પ્રકારની સ્ટ્રીટ વેન્ડિંગ પ્રવૃત્તિઓને મંજૂરી આપવામાં આવશે નહીં. આ આદેશ સાથે ગુજરાત હાઈકોર્ટના 13 માર્ચ, 2026ના તે ચુકાદા પર રોક લગાવી દીધી છે.
ભારતના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી ત્રણ જજોની બેન્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી ઉપર સુનવણી દરમિયાન આ આદેશ પસાર કર્યો હતો. હાઈકોર્ટના અગાઉના ચુકાદામાં ભદ્ર પ્લાઝામાં વેન્ડિંગ સ્પેસ પુનઃસ્થાપિત કરવા માટે સમયબદ્ધ નિર્દેશો જારી કરવામાં આવ્યા હતા અને તેનું પાલન ન કરવા બદલ મ્યુનિસિપલ અધિકારીઓ સામે તિરસ્કારની કાર્યવાહીની પણ ચેતવણી આપી હતી. આ નિર્દેશો શનિવાર, 21 માર્ચથી અમલમાં આવવાના હતા.
એએમસી વતી હાજર રહેલા ભારતના સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને હસ્તક્ષેપ કરવા વિનંતી કરી હતી. તેમણે અમદાવાદના સૌથી ગીચ અને ઐતિહાસિક રીતે સંવેદનશીલ એવા આ વિસ્તારમાં વેન્ડિંગની મંજૂરી આપવાથી જાહેર સુરક્ષા, ટ્રાફિક અને કાયદો-વ્યવસ્થા પર પડનારી ગંભીર અસરો વિશે પ્રકાશ પાડ્યો હતો. પરિસ્થિતિની ગંભીરતાને સ્વીકારીને, સુપ્રીમ કોર્ટે ગ્રાઉન્ડ પર હાલની સ્થિતિ જાળવી રાખવાનો નિર્દેશ આપ્યો હતો.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને રજૂઆત કરી હતી કે તેમની અમલીકરણ ઝુંબેશ પહેલા 1,500થી વધુ ફેરિયાઓએ જાહેર માર્ગો અને ફૂટપાથ પર કબજો જમાવ્યો હતો, જેના પરિણામે રસ્તાઓ સંપૂર્ણપણે બ્લોક થઈ ગયા હતા. આના કારણે રાહદારીઓને રસ્તા પર ચાલવાની ફરજ પડતી હતી અને એમ્બ્યુલન્સ તેમજ ફાયર સર્વિસ જેવા ઈમરજન્સી વાહનો માટે પણ આ વિસ્તારમાં પહોંચવું અશક્ય બની જતું હતું. જો કે ગુજરાત હાઈકોર્ટે કોર્પોરેશનની આ રજૂઆત સ્વીકારી ન હતી.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ