
ભાવનગર, 20 માર્ચ (હિ.સ.)બોટાદ શહેર સહિત તાલુકા અને સમગ્ર જિલ્લા પંથકમાં અચાનક વાતાવરણમાં આવેલા પલટાએ મીની વાવાઝોડા જેવી પરિસ્થિતિ ઊભી કરી હતી. વીજળીના કડાકા-ભડાકા સાથે પડેલા કમોસમી વરસાદ અને તેજ પવનના ઝાપટાંઓએ ખેડૂતોના પાકને ભારે નુકસાન પહોંચાડ્યું છે. ખાસ કરીને ખેતરોમાં તૈયાર ઊભેલા પાકો આ અનિચ્છનીય માવઠાનો ભોગ બનતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ ફેલાયો છે.
બોટાદ જિલ્લાના વિવિધ ગામોમાં પવનના જોરદાર વંટોળ સાથે વરસાદ વરસતા ઘઉં અને ચણા જેવા પાક જમીન પર પડી ગયા હતા. અનેક જગ્યાએ પાક ભીંજાઈ જવાથી ગુણવત્તામાં ઘટાડો થવાની ભીતિ ઊભી થઈ છે. આ ઉપરાંત બાગાયત પાકોને પણ ભારે અસર પહોંચી છે. ખાસ કરીને આંબા, પપૈયા અને ચીકુ જેવા ફળોના ઝાડોને પવનના કારણે નુકસાન થયું છે. કેટલાક વિસ્તારોમાં ઝાડ તૂટી પડવાના બનાવો પણ સામે આવ્યા છે.
બોટાદ તાલુકાના સમઢીયાળા ગામના સરપંચ અને ખેડૂત આગેવાન દિલીપભાઈ સાબવાએ આ પરિસ્થિતિ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ખેડૂતો માટે આ સમય ખૂબ જ મહત્વનો હોય છે કારણ કે પાક તૈયાર થઈ ગયો હોય છે, પરંતુ આ કમોસમી વરસાદ અને પવનના કારણે અંતિમ ઘડીએ ભારે નુકસાન સહન કરવું પડી રહ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું કે ઘણા ખેડૂતોના પાકો સંપૂર્ણપણે બગડી ગયા છે, જેના કારણે તેમની મહેનત પર પાણી ફરી વળ્યું છે.
ખેડૂતો દ્વારા સરકાર પાસે તાત્કાલિક સર્વે કરી યોગ્ય વળતર આપવાની માંગ ઉઠી રહી છે. આ કુદરતી આફતના કારણે ખેડૂતોની આર્થિક સ્થિતિ પર ગંભીર અસર થવાની શક્યતા છે. અનેક ખેડૂતો લોન લઈને ખેતી કરતા હોય છે, જેથી આવું નુકસાન તેમના માટે વધુ મુશ્કેલીજનક બની શકે છે.
આ પરિસ્થિતિમાં સ્થાનિક તંત્ર દ્વારા નુકસાનનું મૂલ્યાંકન કરવામાં આવે અને ખેડૂતોને સહાય મળે તે જરૂરી બની ગયું છે. કમોસમી વરસાદ અને પવનના કારણે સર્જાયેલી આ પરિસ્થિતિ ખેડૂતો માટે ચિંતાજનક બની છે અને તાત્કાલિક રાહત માટે સરકાર તરફ આશા રાખી રહ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT