
ભાવનગર,21 માર્ચ (હિ.સ.) વરતેજ સ્થિત સામૂહિક આરોગ્ય કેન્દ્ર (CHC) ખાતે કેનફિન હોમ્સ લિમિટેડ દ્વારા કોર્પોરેટ સામાજિક જવાબદારી (CSR) અંતર્ગત આધુનિક તબીબી સાધનો પ્રદાન કરવામાં આવતા આરોગ્ય સેવાઓને નવી દિશા મળી છે. આ પહેલથી વરતેજ તેમજ આસપાસના આશરે 8 ગામોના નાગરિકોને વધુ સુવિધાસભર, ઝડપી અને ગુણવત્તાસભર સારવાર ઉપલબ્ધ થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ સમગ્ર કામગીરી કેનફિન હોમ્સ લિમિટેડના શાખા મેનેજર ચિંતન આચાર્ય તથા CHCના સુપરિન્ટેન્ડન્ટ ડૉ. નેહા ગોહિલના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક હાથ ધરવામાં આવી હતી. આરોગ્ય ક્ષેત્રમાં સુવિધાઓના અભાવને ધ્યાનમાં રાખીને CSR દ્વારા જરૂરી સાધનો ઉપલબ્ધ કરાવવાની આ પહેલ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
આ અંતર્ગત CHCને પલ્સ ઓક્સિમીટર, મલ્ટીપેરા મોનીટર, પીડિયાટ્રિક વોર્ડ માટેના સાધનો, ફીટલ ડોપ્લર, બ્લડ પ્રેશર મશીન, ECG મશીન, ઇન્ફન્ટ વોર્મર, ફોટોથેરાપી યુનિટ, ડિફિબ્રીલેટર, ફેટલ ડોપ્લર તેમજ ડિલિવરી બેડ જેવા અદ્યતન અને જરૂરી તબીબી સાધનો પ્રદાન કરવામાં આવ્યા છે. આ સાધનોની ઉપલબ્ધતાથી દર્દીઓના નિદાન અને સારવાર પ્રક્રિયા વધુ ઝડપથી અને અસરકારક રીતે થઈ શકશે.ખાસ કરીને ગાયનેકોલોજી અને માતા-શિશુ આરોગ્ય સેવાઓમાં નોંધપાત્ર સુધારો થવાની સંભાવના છે.
નવજાત શિશુઓ માટે ઇન્ફન્ટ વોર્મર અને ફોટોથેરાપી યુનિટ જેવી સુવિધાઓ ખૂબ ઉપયોગી સાબિત થશે, જ્યારે ફીટલ ડોપ્લર અને ડિલિવરી બેડ ગર્ભવતી મહિલાઓ માટે વધુ સલામત અને સગવડભરી સારવાર સુનિશ્ચિત કરશે. તાત્કાલિક પરિસ્થિતિમાં ડિફિબ્રીલેટર અને મલ્ટીપેરા મોનીટર જેવા સાધનો જીવનરક્ષક બની શકે છે.
આ પ્રસંગે કેનફિન હોમ્સ લિમિટેડની ટીમના સભ્યોમાં વિવેક વ્યાસ તથા મુરુગન રાજારામ હાજર રહ્યા હતા. તમામ મહેમાનો દ્વારા આરોગ્ય સેવાઓમાં સુધારો લાવવા માટે આ પ્રકારની CSR પ્રવૃત્તિઓને આવકારવામાં આવી હતી.આ પહેલથી ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્ય સુવિધાઓ વધુ મજબૂત બનશે અને લોકોમાં આરોગ્ય પ્રત્યે વિશ્વાસ પણ વધશે.
હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT