
નવસારી, 22 માર્ચ (હિ.સ.): નવસારી જિલ્લામાં પ્રોહિબિશન કાયદાનું કડક અમલ થાય તે માટે પોલીસ સક્રિય બની છે. ચીખલી પોલીસે નેશનલ હાઈવે-48 પર મજીગામ ઓવરબ્રીજ પાસે ચેકિંગ દરમિયાન એક શંકાસ્પદ કારને અટકાવી તેમાં ભરેલો વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન કુલ ₹5.57 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
તપાસ દરમિયાન ગ્રે રંગની બલેનો કારમાંથી 660 બોટલ મળી આવી હતી, જેમાં વ્હીસ્કી, બિયર અને વોડકા સામેલ હતા. જપ્ત કરાયેલા દારૂની કિંમત આશરે ₹2.52 લાખ ગણવામાં આવી છે. સાથે જ ₹3 લાખની કાર અને ₹5,000 કિંમતનો મોબાઇલ પણ પોલીસે કબ્જે લીધો હતો.
આ કેસમાં ભરૂચ જિલ્લાના વાલિયા વિસ્તારના રહેવાસી અનિલ રમેશભાઈ બૈશાનીને પોલીસે ધરપકડ કરી છે. પ્રાથમિક પૂછપરછમાં ખુલ્યું કે આ દારૂ વલસાડના એક વ્યક્તિએ ભરાવ્યો હતો અને તેને અન્ય એક વ્યક્તિ સુધી પહોંચાડવાનો હતો.
પોલીસે આ મામલે વધુ બે આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે અને તેમના શોધખોળ માટે કાર્યવાહી શરૂ કરી છે. ચીખલી પોલીસ સ્ટેશન દ્વારા પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે