
નવસારી, 22 માર્ચ (હિ.સ.): નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના કેસલી ગામમાં ઘરના વહેંચાણને લઈને ઉભા થયેલા પરિવારિક વિવાદે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. દિયરે પોતાના ભાઈ અને ભાભી પર લોખંડના સળિયા વડે હુમલો કરતા બંનેને ગંભીર ઇજાઓ પહોંચી છે. ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
ફરિયાદી પ્રિયંકાબેન પટેલ મુજબ, તેમના દિયર દિવ્યેશભાઈ સાથે છેલ્લા કેટલાક મહિનાથી ઘરેલુ બાબતોને લઈને મતભેદ ચાલી રહ્યો હતો અને તે અલગ રહેતા હતા. 20 માર્ચ, 2026ની સાંજે ઘરના ભાગ પાડવાની ચર્ચા દરમિયાન જૂના મુદ્દાઓને લઈને બોલાચાલી શરૂ થઈ હતી, જે બાદ પરિસ્થિતિ બગડી ગઈ હતી.
આરોપ છે કે ઉશ્કેરાયેલા દિવ્યેશે ગાળો બોલતા બોલતા નજીકમાં પડેલો લોખંડનો સળિયો ઉઠાવી હુમલો કર્યો. પ્રિયંકાબેનના પતિ શૈલેષભાઈ વચ્ચે પડતા તેમના માથા અને હાથમાં ઇજા થઈ હતી, જ્યારે પ્રિયંકાબેનના હાથમાં પણ ગંભીર ઈજા પહોંચી હતી.
ઘટના બાદ આરોપી ધમકી આપીને ફરાર થઈ ગયો હતો. સ્થાનિક લોકોની મદદથી ઇજાગ્રસ્ત દંપતીને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં બંનેને હાથમાં ફ્રેક્ચર હોવાનું નિદાન થયું. આ મામલે પ્રિયંકાબેને પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે