
સોમનાથ,21 માર્ચ (હિ.સ.) આગામી 30 વર્ષોને ધ્યાનમાં રાખીને સોમનાથ સહિત વેરાવળ શહેર અને તેની આસપાસના વિસ્તારનો વિકાસ થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા સોમનાથ શહેરી વિકાસ સત્તા મંડળની સ્થાપના કરવામાં આવી છે.
આ સત્તામંડળની પ્રાથમિક તબક્કાની પ્રથમ બેઠક આજે જિલ્લા કલેકટર એન.વી. ઉપાધ્યાયની અધ્યક્ષતામાં કલેકટર કચેરી, ઈણાજ ખાતે યોજાઇ હતી.
ભવિષ્યને ધ્યાનમાં રાખીને વેરાવળ શહેર તથા તેની આસપાસના વિસ્તારનો આયોજનબદ્ધ વિકાસ થાય તે માટે બેઠકમાં ઉપસ્થિત અધિકારીઓ પાસેથી સલાહ-સૂચનો મંગાયા હતા.આ બેઠકમાં સેટેલાઈટ મેપિંગ દ્વારા સત્તામંડળના વિસ્તારમાં આવતી જમીનના રહેણાંક વિસ્તાર, ખેતીલાયક જમીનનો વિસ્તાર, જંગલ વિસ્તાર, મહત્વપૂર્ણ સ્થળો સહિતની વિગતનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેના આધારે ભવિષ્યને ધ્યાનમાં રાખીને રોડ, રસ્તા, બગીચા, મંદિર, માળખાગત વિકાસ, વીજળી, પર્યાવરણ, પાર્કિંગ, સામાજિક માળખાકીય વિકાસ સહિતની બાબતોને ધ્યાનમાં લઈને આયોજન હાથ ધરવામાં આવશે.
મુસદ્દારૂપ નગર વિકાસ યોજના માટે જિલ્લાના 19 ગામોનો આ સત્તામંડળના કાર્યક્ષેત્ર હેઠળ સમાવેશ કરવામાં આવ્યો છે.જિલ્લાના અધિકારીઓને આ સત્તામંડળની કામગીરીથી અવગત કરાવવા માટેની આ સૌ પ્રથમ બેઠક હતી. ભવિષ્યમાં જન સામાન્ય નાગરિકના સૂચનો પણ આ માટે માગવામાં આવશે.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, જિલ્લા પોલીસ વડા જયદિપસિંહ જાડેજા, સત્તામંડળ માટે વિવિધ જિલ્લામાંથી નિમાયેલા અધિકારીઓ તેમજ જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ