
ભાવનગર,21 માર્ચ (હિ.સ.) યાત્રિયોની સુવિધા અને સુરક્ષિત અવરજવર વધુ મજબૂત બનાવવા માટે પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ દ્વારા જેતલસર જંકશન રેલવે સ્ટેશન પર ફૂટ ઓવર બ્રિજ (FOB) નું સફળતાપૂર્વક વિસ્તરણ કરીને તેને મુસાફરો માટે સમર્પિત કરવામાં આવ્યો છે.
જેતલસર જંકશન, જે ઢસા, રાજકોટ, વેરાવળ તથા વાંજસલિયા મારફતે પોરબંદર અને સોમનાથને જોડતું એક મહત્વપૂર્ણ રેલવે જંકશન છે, તે વિસ્તારનું એક મુખ્ય વ્યાવસાયિક કેન્દ્ર પણ છે. અહીં કપાસ અને રેશમી કપડાં પર કઢાઈનું કામ, હીરા પોલિશિંગ ઉદ્યોગ સાથે સાથે મોટું APMC અને અન્નધાન્ય કેન્દ્ર આવેલ હોવાથી આ સ્ટેશનનું મહત્વ વધુ વધે છે. સ્ટેશન પર અગાઉ ઉપલબ્ધ ફૂટ ઓવર બ્રિજ, જે પ્લેટફોર્મ નંબર 1 અને 2/3 ને જોડતો હતો, તેનું વિસ્તરણ કરીને તેને પ્લેટફોર્મ નંબર 4/5 સુધી જોડવાનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે.
ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીના જણાવ્યા મુજબ, આ વિસ્તૃત ફૂટ ઓવર બ્રિજને તારીખ 16 માર્ચ 2026 ના રોજ શરૂ કરીને મુસાફરો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. વિસ્તૃત FOB અંતર્ગત 9.95 મીટર અને 22.46 મીટર સ્પાનનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેની રેલવે ટ્રેકથી ઊભી ઊંચાઈ 6.60 મીટર છે.મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને પ્લેટફોર્મ નંબર 1 અને 2/3 પર લિફ્ટની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી વરિષ્ઠ નાગરિકો, મહિલાઓ અને દિવ્યાંગજનોને વિશેષ સુવિધા મળશે। પ્લેટફોર્મ નંબર 4/5 પર લિફ્ટ લગાવવાનું કામ પ્રગતિ હેઠળ છે.
આ નવી સુવિધા મુસાફરોના સુરક્ષિત, સરળ અને ઝડપી અવરજવરમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે તેમજ સ્ટેશન પર ભીડ વ્યવસ્થાપનને પણ વધુ સુદ્રઢ બનાવશે.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ