

ગાંધીનગર, 21 માર્ચ (હિ.સ.) સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચાલિત ઉમા આર્ટ્સ એન્ડ નાથીબા કોમર્સ મહિલા કોલેજ તથા કડી સર્વ વિશ્વવિદ્યાલય સંચાલિત પત્રકારત્વ વિભાગના સંયુક્ત ઉપક્રમે ‘આજના સમયમાં પત્રકારત્વમાં અભિવ્યક્તિનો અંદાજ’ વિષયક પરિસંવાદ યોજાયો હતો. કાર્યક્રમ કારકિર્દી માર્ગદર્શન સેમિનારના ભાગરૂપે યોજાયો હતો.
પરિસંવાદમાં જાણિતા કોલમિસ્ટ અને લેખક પુલક ત્રિવેદીએ પત્રકારત્વની બદલાતી પરિભાષા પર માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે ભાષા, શૈલી અને નિષ્ઠા સાથે ટેકનોલોજીના સમન્વયથી આજનું પત્રકારત્વ વધુ વ્યાપક અને પ્રભાવશાળી બન્યું છે. તેમણે પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક્સ અને ન્યુ મીડિયા ક્ષેત્રે આવેલા પરિવર્તનો પર રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય દ્રષ્ટિકોણથી પ્રકાશ પાડ્યો હતો.
કોલેજના પ્રિન્સિપાલ ડૉ. લલિતકુમાર પટેલે પત્રકારત્વ ક્ષેત્રની આવશ્યકતા અને શબ્દોની શક્તિ અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. સેમિનાર સર્વ વિદ્યાલય કેળવણી મંડળના ચેરમેન વલ્લભ પટેલના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
પત્રકારત્વ વિભાગના પ્રિન્સિપાલ મિતેષ મોદીએ પ્રાસંગિક ઉદબોધન કરતાં મીડિયા ક્ષેત્રમાં ઊભરતા અવસરો પર પ્રકાશ પાડ્યો હતો. કાર્યક્રમ દરમિયાન પત્રકારત્વનું મહત્વ, આધુનિક મીડિયામાં થતા પરિવર્તનો અને પત્રકાર તરીકેની જવાબદારીઓ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.
સેમિનારથી પ્રેરાઈ કેટલીક વિદ્યાર્થીનીઓએ મીડિયા ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા રસ દર્શાવ્યો હતો. કાર્યક્રમમાં પર્યાવરણવિદ અને પત્રકાર કિશોરસિંહ પઢિયાર તથા કુનાલ ગઢવી સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા.
કાર્યક્રમનું સંચાલન ડૉ. કૃપા ભટ્ટે કર્યું હતું જ્યારે આભારવિધિ ડૉ. કિરણ ખેની દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ