
જામનગર, 21 માર્ચ (હિ.સ.) : જામનગર જિલ્લામાં વાતાવરણના અચાનક પલટા વચ્ચે બે અલગ-અલગ ઘટનાઓ બની છે. કાલાવડ તાલુકાના શનાળા ગામે એક ખેડૂતના મકાન પર વીજળી ત્રાટકી હતી, જ્યારે જામજોધપુર તાલુકાના ધ્રાફા ગામ નજીક વીજળી પડવાથી એક માલધારીનું કરુણ મૃત્યુ થયું હતું.
કાલાવડ તાલુકાના શનાળા ગામે ખેડૂત જમનભાઈ સંઘાણી (પટેલ) ના મકાનની છત પર આકાશી વીજળી પડતા છતમાં મોટું ગાબડું પડ્યું હતું. વીજળીનો પ્રહાર એટલો પ્રચંડ હતો કે મકાનની છતને ભારે નુકસાન થયું હતું. સદનસીબે, વીજળી પડી તે સમયે રૂમમાં કે ઘરમાં પરિવારનો કોઈ સભ્ય હાજર ન હોવાથી જાનહાનિ ટળી હતી અને સમગ્ર પરિવારનો આબાદ બચાવ થયો હતો.
બીજી ઘટનામાં, જામજોધપુર તાલુકાના ધ્રાફા ગામ નજીક કમોસમી વરસાદ દરમિયાન વીજળી પડવાથી એક માલધારીનો ભોગ લેવાયો હતો.
જૂની આંબરડી ગામના રહેવાસી અને માલધારી તરીકેનો વ્યવસાય કરતા ૫૨ વર્ષીય કાબાભાઈ માયાભાઈ વકાતર ગઈકાલે સાંજે છ વાગ્યાના અરસામાં ધ્રાફા ગામ નજીક પાણાખાણ વિસ્તારમાં ફુલઝર નદીના કાંઠે પોતાની ભેંસો ચરાવવા ગયા હતા. તે દરમિયાન અચાનક તેમના પર વરસાદી વીજળી પડતા તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું.
આ બનાવ અંગે મૃતકના નાના ભાઈ વિશાભાઈ ઉર્ફે જીણકાભાઈ માયાભાઈએ પોલીસને જાણ કરી હતી. શેઠવડાળા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ બી.પી. જાડેજા ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt