



ગાંધીનગર, 21 માર્ચ (હિ.સ.) : ગાંધીનગરના કુડાસણ, સરદાર ચોક ખાતે તા.21 માર્ચથી જિલ્લા કક્ષાના બે દિવસીય 'મિલેટ મહોત્સવ-2026'નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ મંત્રી દર્શનાબેન વાઘેલાની અધ્યક્ષતામાં આયોજિત આ કાર્યક્રમમાં પ્રાકૃતિક કૃષિ અને મિલેટ્સ એટલે કે શ્રી અન્ન દ્વારા તૈયાર કરાયેલી વિવિધ ચીજવસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ કેન્દ્ર ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મંત્રીએ પ્રેરક ઉદ્બોધન આપતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ભગીરથ પ્રયાસોથી આજે સમગ્ર વિશ્વ મિલેટ્સનું મહત્વ સમજ્યું છે. રાજ્યની ૧૭ મહાનગરપાલિકાઓમાં એકસાથે આ મહોત્સવ યોજાઈ રહ્યો છે જે ગૌરવની વાત છે.. તેમણે વધુમાં ઉમેર્યું કે, આપણા પૂર્વજો ૮૦-૮૫ વર્ષ સુધી સ્વસ્થ રહેતા કારણ કે તેમનો ખોરાક સાદો અને પ્રાકૃતિક ખેતી આધારિત હતો. આજે જંક ફૂડના કારણે નાની ઉંમરે હાર્ટ એટેક અને કેન્સર જેવી ગંભીર બીમારીઓ વધી રહી છે. જો આપણે નવી પેઢીને સ્વસ્થ રાખવી હોય, તો ફરીથી રસોડામાં બાજરો, રાગી, જુવાર અને કોદરી જેવા પૌષ્ટિક ધાન્યોને સ્થાન આપવું પડશે.
ખેડૂતોને પ્રોત્સાહિત કરતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, લોકો સુધી શુદ્ધ અને કેમિકલ રહિત ખોરાક પહોંચાડવાની જવાબદારી ખેડૂતોની છે. રાજ્ય સરકાર પણ આ દિશામાં ખેડૂતોને નિઃશુલ્ક સ્ટોલ જેવી સુવિધાઓ આપીને મદદરૂપ થઈ રહી છે.
ગાંધીનગરના મેયર મીરાબેન પટેલે જણાવ્યું હતું કે, 'શ્રી અન્ન' એ માત્ર આપણો વારસાગત આહાર નથી પણ સ્વસ્થ જીવનનો માર્ગ છે. સ્વસ્થ ભારતના નિર્માણ માટે આપણી થાળીમાં મિલેટ્સ અનિવાર્ય છે.
કૃષિ ફેડરેશનના પ્રમુખ હિતેન્દ્રભાઈ પટેલે સરકારના આ પ્રયાસને સરાહતા કહ્યું કે, પ્રાકૃતિક ખેતી, મિલેટ્સ જાગૃતિ, યોગ અને આયુર્વેદ તથા સ્વદેશી અભિયાન જેવા વિષયો પર સરકારનું ધ્યાન નાગરિકોના સ્વાસ્થ્યની ચિંતા દર્શાવે છે.
આ અવસરે 'આત્મા' પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી પરાગ કેવડિયાએ સ્વાગત પ્રવચન દ્વારા મિલેટ્સ અને પ્રાકૃતિક ખેતીના વૈજ્ઞાનિક ફાયદાઓ સમજાવ્યા હતા.
આ વિશેષ આયોજન અંતર્ગત પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનો અને શ્રી અન્નનું સવારે ૦૯:૦૦ થી રાત્રે ૧૦:૦૦ સુધી વેચાણ પણ કરવામાં આવશે, તથા ડાયરો તથા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ થશે.
ઉલ્લેખનીય છે કે, ૧૫ વાનગી સ્ટોલ્સ પર પૌષ્ટિક અને વિસરાતી મિલેટ્સ વાનગીઓનો સ્વાદ માણવાની સુવિધા સહિત ૩૬ વેચાણ સ્ટોલ પર મિનિટ અને પ્રાકૃતિક ખેતપેદાશો સહિતની વસ્તુઓ નગરજનો ખરીદી શકે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.
આ કાર્યક્રમમાં ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટાબેન પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ગૌરાંગ વ્યાસ, શહેર પ્રમુખ આશિષભાઈ દવે, કલેક્ટર જે.એન. વાઘેલા, જિલ્લા વિકાસ અધિકારી બી.જે. પટેલ સહિત મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને મોટી સંખ્યામાં ખેડૂતો તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ