
ભાવનગર,21 માર્ચ (હિ.સ.)ભારત સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા પોષણ સુરક્ષા અને સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપવા માટે પોષક ધાન્યો (મિલેટ્સ)ના ઉપયોગ પર વિશેષ ભાર મુકવામાં આવી રહ્યો છે. પરંપરાગત રીતે ભારતીય આહારમાં સમાવિષ્ટ રહેલાં આ ધાન્યો આજે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ અત્યંત પોષણક્ષમ અને આરોગ્યવર્ધક સાબિત થઈ રહ્યા છે. મિલેટ્સમાં પોષક તત્ત્વોની સમૃદ્ધતા હોવા ઉપરાંત તે પર્યાવરણમિત્ર ખેતી માટે પણ અનુકૂળ છે.
બાજરી (Pearl Millet):
બાજરીમાં પ્રોટીન, લોહતત્વ તથા એન્ટીઑકિસડન્ટ્સનો સારો સમાવેશ થાય છે. તે કોલેસ્ટ્રોલ તથા બ્લડ શુગરનું સ્તર ઘટાડવામાં મદદરૂપ બને છે. વજન નિયંત્રણ, કબજીયાત નિવારણ તથા અનિંદ્રા જેવી સમસ્યાઓમાં પણ બાજરી ઉપયોગી સાબિત થાય છે. ખાસ કરીને એનીમિયા નિવારણમાં બાજરી મહત્વપૂર્ણ યોગદાન આપે છે.
રાગી/નાગલી (Finger Millet):
રાગી પાચક રેસાઓથી સમૃદ્ધ હોવાથી શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં મદદરૂપ બને છે. હૃદયરોગના જોખમને ઘટાડવામાં તથા શરીરના આરોગ્યને જાળવી રાખવામાં તેનો મહત્વનો ફાળો છે.
કાંગ (Foxtail Millet):
કાંગમાં વિટામિન B-12 તેમજ અન્ય પોષક તત્ત્વો હોય છે, જે ચેતાતંત્રને કાર્યક્ષમ રાખવામાં, હૃદયના સ્વાસ્થ્યને જાળવવામાં તથા ત્વચા અને વાળના વિકાસમાં સહાયક બને છે. તે ગ્લાયસેમિક નિયંત્રણમાં સુધારો કરી ઇન્સ્યુલિન તથા કોલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રિત કરવામાં મદદરૂપ બને છે.
જુવાર (Sorghum):
જુવાર ગ્લુટેનમુક્ત અનાજ છે, જેમાં પાચક રેસાઓ, પ્રોટીન તથા મિનરલ્સનો સારો સમાવેશ થાય છે. ડાયાબિટીસ ધરાવતા લોકો માટે તે ઉત્તમ આહાર વિકલ્પ છે. તે હાડકાંને મજબૂત બનાવવામાં તથા શરીરના સર્વાંગી વિકાસમાં મદદરૂપ છે. વધુમાં, જુવારની સંગ્રહ ક્ષમતા પણ વધુ હોય છે.
*કોદરા (Kodo Millet):*
કોદરા પાચક રેસાઓથી ભરપૂર હોવાથી કબજીયાત, ગેસ તથા પેટ સંબંધિત સમસ્યાઓમાં રાહત આપે છે. તેમાં રહેલું મેગ્નેશિયમ હૃદયના સ્વાસ્થ્યને જાળવવામાં તથા બ્લડ પ્રેશર નિયંત્રણમાં મદદરૂપ બને છે.
નોંધનીય છે કે,પોષક ધાન્યો (મિલેટ્સ)નો દૈનિક આહારમાં સમાવેશ કરવાથી માત્ર વ્યક્તિગત આરોગ્ય જ નહીં પરંતુ સમાજના સર્વાંગી સ્વાસ્થ્યમાં પણ સુધારો શક્ય બને છે. સરકારશ્રી દ્વારા ચલાવવામાં આવતી વિવિધ પોષણલક્ષી યોજનાઓ સાથે મિલેટ્સનો વ્યાપક પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે, જેથી લોકો વધુ સ્વસ્થ અને પોષણયુક્ત
જીવન તરફ આગળ વધી શકે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT