
પાટણ, 21 માર્ચ (હિ.સ.)
પાટણની મોટર અકસ્માત ક્લેમ ટ્રિબ્યુનલે મહત્વપૂર્ણ ચુકાદો આપતા 23 વર્ષીય અર્પિત મનુભાઈ પટેલને ₹59,66,824નું વળતર આપવાનો આદેશ કર્યો છે. આ રકમ ટ્રક ચાલક, માલિક અને વીમા કંપનીએ સંયુક્ત રીતે ચૂકવવાની રહેશે.
આદેશ પાટણના ડિસ્ટ્રિક્ટ જજ પ્રશાંત એચ. શેઠ દ્વારા આપવામાં આવ્યો હતો. કોર્ટએ વળતર રકમ અરજી તારીખથી 9% વાર્ષિક વ્યાજ સાથે ચૂકવવાનો અને એક મહિનામાં ટ્રિબ્યુનલ કોર્ટમાં જમા કરાવવાનો નિર્દેશ આપ્યો.
આ અકસ્માત 20 એપ્રિલ, 2013ના રોજ સવારે થયો હતો, જ્યારે અર્પિત પટેલ તેમના મિત્ર સાથે મોટરસાયકલ પર જઈ રહ્યા હતા. સિદ્ધપુર ચાર રસ્તા નજીક એક ટર્બો ટ્રકે પાછળથી ટક્કર મારતા અકસ્માત સર્જાયો.
અકસ્મતમાં અર્પિતનો ડાબો પગ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો અને સારવાર દરમિયાન ઘૂંટણની નીચેનો ભાગ કાપવો પડ્યો હતો. પ્રથમ પાટણમાં અને પછી મહેસાણાની હોસ્પિટલમાં તેમની સારવાર કરવામાં આવી.
કોર્ટમાં રજૂઆત મુજબ અકસ્માત ટ્રક ડ્રાઇવરની બેદરકારીને કારણે થયો હતો. કોર્ટએ આ દલીલ સ્વીકારીને અર્પિત પટેલને વળતર મેળવવા હકદાર ઠેરવ્યા, જોકે તેમણે મૂળ ₹2 કરોડની માંગણી કરી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ