
પાટણ, 21 માર્ચ (હિ.સ.)સિદ્ધપુરના ગોકુલ ભાજપ કાર્યાલય ખાતે ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં લોકસંપર્ક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મતવિસ્તારના નાગરિકોના પ્રશ્નો સાંભળી તેના ત્વરિત નિરાકરણ માટે વહીવટી સૂચનાઓ આપવામાં આવી હતી. વિવિધ ગામોમાંથી આવેલા નાગરિકો અને કાર્યકરો સાથે બેઠક યોજી સ્થાનિક સમસ્યાઓને ગંભીરતાથી લેવામાં આવી હતી.
ધારાસભ્ય દ્વારા સ્થળ પર જ જરૂરી દિશાનિર્દેશો આપવામાં આવ્યા હતા અને વહીવટી પ્રક્રિયા ઝડપી બનાવી પ્રશ્નો હલ કરવા પર ભાર મૂકાયો હતો. કોઈટા ગામના રોડના કામને મંજૂરી મળતા ગ્રામજનોએ આભાર વ્યક્ત કર્યો હતો અને મોટી સંખ્યામાં લોકો કાર્યાલય ખાતે ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન ભાજપ યુવા મોરચાના નવનિયુક્ત પ્રમુખ સુરેશજી ઠાકોર અને મહામંત્રી પરેશભાઈ પ્રજાપતિનું સન્માન કરાયું હતું. તેમને પુષ્પગુચ્છ અને સાલ અર્પણ કરી શુભેચ્છાઓ પાઠવવામાં આવી અને સંગઠનને મજબૂત બનાવવા તથા યુવા શક્તિને જોડવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ