


પોરબંદર, 21 માર્ચ (હિ.સ.) : પોરબંદર જિલ્લામાં પીવાના પાણીની વ્યવસ્થા અને સ્વચ્છતાના કાર્યોની સમીક્ષા કરવાના હેતુથી તાજેતરમાં જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની 61 મી બેઠકનું જિલ્લા કલેકટર એસ ડી ધાનાણીના અધ્યક્ષ સ્થાને જિલ્લા કલેકટર કચેરી પોરબંદર ખાતે યોજાઈ હતી.
આ બેઠકમાં જિલ્લાના ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોમાં પાણી પુરવઠાને લગતા મહત્વના પ્રશ્નો અને નવી યોજનાઓ અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા હાથ ધરવામાં આવી હતી. આ બેઠક દરમિયાન વિવિધ કચેરીઓ દ્વારા રજૂ કરવામાં આવેલી પીવાના પાણીની દરખાસ્તો પર ગહન ચર્ચાઓ બાદ પાણી પુરવઠા યાંત્રિક વિભાગની 1 અને 15મુ નાણાપંચના ગ્રામ્ય લેવલે પાણી પુરવઠા યોજનાના 24 કામોને સૈધાંતિક મંજૂરી અપાઈ હતી.
જિલ્લામાં હાલમાં કાર્યરત પાણી પુરવઠા યોજનાઓની સ્થિતિની સમીક્ષા કરતા જે યોજનાઓ ટેકનિકલ ખામીઓને કારણે અંશતઃ બંધ છે, તેને સત્વરે કાર્યરત કરવા માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. આ ઉપરાંત, ગ્રામ્ય સ્તરે સરપંચોના પડતર પ્રશ્નો, યોજનાઓના હેન્ડઓવર અને કામગીરીમાં નડતી વહીવટી અડચણો દૂર કરવા પર ભાર મુકાયો હતો. જર્જરિત હાલતમાં રહેલી પાણીની ટાંકીઓના સમારકામ અથવા નવી ટાંકીઓના નિર્માણ અંગે અને હાલ ઉપયોગમાં હોય તેવી જર્જરિત ટાંકીઓ ની જગ્યા વૈકલ્પિક વ્યવસ્થા કરી પાણી વિતરણ ચાલુ રાખવા માટે સુચના અપાઈ છે .
બેઠકમાં 'મુખ્યમંત્રી મહિલા પાણી સમિતિ પ્રોત્સાહન યોજના' અંતર્ગત મહિલા સશક્તિકરણના કાર્યક્રમોની વિગતો રજૂ કરવામાં આવી હતી, સાથે જ કેન્દ્ર સરકારના 'જલ આંકલન' અભિયાન અંગે તમામ ગામોની ઓનલાઈન એન્ટ્રીઓ પૂર્ણ થઈ ગયેલ હોય જે અંગે ની વિગત આપવામાં આવી હતી. અંતમાં, પાણી પુરવઠાને લગતી મળેલી ફરિયાદોના નિકાલની સમીક્ષા કરી અધ્યક્ષ સ્થાનેથી અન્ય પ્રકીર્ણ મુદ્દાઓ પર જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી બી.બી ચૌધરી, નિવાસી અધિક કલેકટર રેખાબા સરવૈયા, વાસ્મોના અધિકારી અભિષેક પાંડે સહિતના સબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya