
પાટણ, 21 માર્ચ (હિ.સ.) : રાધનપુર તાલુકાના ભિલોટ ગામે દિનદહાડે ચોરીની ઘટના બની છે. ઠાકોર બાલાભાઈ મણાભાઈ અને તેમની પત્ની ખેતરમાં મજૂરી કરવા ગયા હતા ત્યારે અજાણ્યા તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું.
તસ્કરોએ ઘરના દરવાજા તોડી અંદર પ્રવેશ કરીને પતરાની પેટી તોડી સોનાનું ગોખરું, બુટ્ટી, ડોડી, ચૂંક, ચાંદીનું મંગળસૂત્ર અને રોકડા ₹55,000 સહિત કુલ ₹96,600ની ચોરી કરી ફરાર થઈ ગયા.
મજૂરીથી પરત ફરતા દંપતીએ ઘરનો સામાન વેરવિખેર અને પેટીઓ તૂટેલી જોઈ ચોરી થયાની જાણ થઈ. આ અંગે ઠાકોર બાલાભાઈએ રાધનપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અને પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ