
ગીર સોમનાથ 21 માર્ચ (હિ.સ.) : ગીર સોમનાથ રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં સુરક્ષિત અને પૂરતું પીવાનું પાણી ઉપલબ્ધ થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા પ્રતિવર્ષ જળસંચય અભિયાન અંતર્ગત જનભાગીદારી સાથે અનેક જળસંચયના કામો હાથ ધરવામાં આવે છે.
આવા જળસંચયના કામો હાથ ધરવામાં ગીર સોમનાથ જિલ્લો જળસંચયના ૫,૫૫૧ કામો સાથે ચાલુ વર્ષે રાજ્યમાં ચોથા ક્રમાકે છે.
જિલ્લામાં વિવિધ વિભાગો દ્વારા નવા બનતાં બિલ્ડીંગમાં જળસંચયની ફરજિયાત વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત, શોકપીટ, બોરવેલ, કૂવાઓ રિચાર્જ કરવા, ખેતરોમાં પાળા કરી પાણી રોકવું, ચેકડેમ, ગામ તળાવો, પરકોલેશન ટાંકી વગેરે દ્વારા વધુમાં વધુ પાણી જમીનમાં ઉતરે તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.
જિલ્લા કલેક્ટર એન.વી.ઉપાધ્યાયે આ અંગે યોજાયેલી બેઠકમાં જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓને જ્યાં પણ નવા કાર્યો થાય છે ત્યાં પાણી સંગ્રહની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા આગ્રહ કર્યો હતો. જિલ્લાના નાગરિકો પણ જ્યાં પણ શક્ય બને ત્યાં પણ પાણીને જમીનમાં ઉતારી ભૂગર્ભ જળ ઉંચા લાવવા માટે સહયોગ આપે તે માટેની અપીલ પણ કલેક્ટરએ કરી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને કેન્દ્રિય જળ શક્તિ મંત્રી સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં રાજ્ય સરકાર અને કેન્દ્રના પેયજળ અને સ્વચ્છતા વિભાગ વચ્ચે જળ જીવન મિશન ૨.૦ અંતર્ગત ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની સુવિધા વધુ સુલભ બનાવવા માટે આજે મહત્વપૂર્ણ એમઓયુ થયા છે. જે તેનું મહત્વ દર્શાવે છે. આ એમઓયુના પરિણામે પેયજળ વ્યવસ્થાપન તેમજ ગ્રામ્ય જનજીવનમાં ગુણાત્મક પરિવર્તન આવશે.
ઉલ્લેખનીય છે કે, જળજીવન મિશનની શરૂઆત તા.૧૫ ઓગસ્ટ ૨૦૧૯ના રોજ હર ઘર જળના સંકલ્પ સાથે કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ