
પાટણ, 21 માર્ચ (હિ.સ.) : સિદ્ધપુરમાં ઈદ-ઉલ-ફિતર નિમિત્તે ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતે મુસ્લિમ સમાજના લોકો સાથે આત્મીય રીતે ઉજવણી કરી હતી. પોતાના ગોકુલ મધ્યસ્થ કાર્યાલય ખાતે તેમણે મુસ્લિમ અગ્રણીઓ અને નાગરિકો સાથે મુલાકાત કરી અને ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પ્રસંગે સૌએ પરસ્પર ગળે મળી તહેવારની વધામણી આપી હતી. ધારાસભ્યએ ઉપસ્થિત ભાઈઓને મિષ્ટાન્ન ખવડાવી આનંદ વ્યક્ત કર્યો હતો, જ્યારે સ્થાનિક આગેવાનો અને કાર્યકરો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સમગ્ર વાતાવરણમાં ઉત્સાહ અને શાંતિનો માહોલ જોવા મળ્યો હતો.
આ પહેલથી સામાજિક સૌહાર્દ અને ભાઈચારાનું સુંદર ઉદાહરણ પૂરું પડ્યું હતું. રાજ્ય અને દેશમાં ઈદની ઉજવણી વચ્ચે સિદ્ધપુર વિધાનસભા વિસ્તારમાંથી કોમી એકતાનો સકારાત્મક સંદેશ પ્રસરી ગયો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ