
- એપ્રિલની શરૂઆતમાં 42 ડિગ્રી તાપમાન સાથે હીટવેવનું એલર્ટ
અમદાવાદ,21 માર્ચ (હિ.સ.) આજથી રાજ્યમાં ફરીથી ગરમીનો પારો વધશે. રાજ્યના મહત્તમ તાપમાનમાં 3થી 5 ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે અને આગામી 7 દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં ધીરે ધીરે વધારો થશે. જેથી ફરીથી રાજ્યના લોકોને ગરમીમાં શેકાવા માટે તૈયાર રહેવું પડશે.
છેલ્લા ઘણા દિવસોથી રાજ્યમાં કમોસમી વરસાદને કારણે અનેક જગ્યાએ ભારે નુકશાન થયું હતું. અનેક જગ્યાએ વૃક્ષો પડી ગયા હતા. હોર્ડિંગ્સ પણ પડી ગયા હતા. ધૂળની ડમરીઓ ઉડી હતી. જેને કારણે અનેક વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
આગામી દિવસોમાં તાપમાનમાં ધીમે ધીમે 2થી 3 ડિગ્રી સેલ્સિયસ જેટલો વધારો નોંધાશે. હમણાં માર્ચ એન્ડિંગમાં કોઈપણ હીટવેવનું એલર્ટ નથી. એપ્રિલની શરૂઆતમાં એટલે કે 4 એપ્રિલ બાદ રાજ્યમાં હીટવેવની શરૂઆત થશે અને આ વખતે તાપમાન 41થી 42 ડિગ્રી સેલ્સિયસ સુધી નોંધાશે. હમણાં કોઈ સિસ્ટમ સક્રિય નથી. ખાસ કરીને અમદાવાદમાં મહત્તમ તાપમાનમાં 37થી 38 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે નોંધાઈ શકે છે.
આજે રાજ્યમાં 1થી દોઢ ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાનમાં વધારો થશે. જ્યારે હમણાં કોઈ સિસ્ટમ સક્રિય છે નહીં.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના કારણે રાજ્યમાં આ અચાનક વરસાદી માહોલ સર્જાયો છે. ગત 24 કલાકમાં સૌરાષ્ટ્રના વિસ્તારોમાં 41 મિમી સુધી વરસાદ નોંધાયો હતો, જેમાં ઉના અને ગીર-ગઢડા વિસ્તારમાં રસ્તાઓ પર નદી જેવો પાણી વહેતા જોવા મળ્યો હતા તો કેટલાક ગામોમાં વીજ પુરવઠો પણ ખોરવાયો હતો.
હવામાન વિભાગે આજે 21 માર્ચ માટે સૌરાષ્ટ્ર (ગીર-સોમનાથ, જુનાગઢ, અમરેલી, ભાવનગર) અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે તેમજ ભારે પવન (40-50 કિ.મી./કલાક) ફૂંકાવવાની સંભાવના વ્યક્ત કરી છે. જોકે, 24 કલાક બાદ વરસાદની તીવ્રતા ઘટવાની અને તાપમાનમાં 3થી 4 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની શક્યતા છે. આગામી 7 દિવસમાં દિવસનું મહત્તમ તાપમાન 4થી 5 ડિગ્રી સુધી વધી શકે છે, જેનાથી ઉનાળાની શરૂઆતનો અહેસાસ થશે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ