
ભાવનગર, 22 માર્ચ (હિ.સ.)પ્રશિષ્ટ સાહિત્ય આસ્વાદન તરફ અભિરુચિ કેળવાય અને વાચન કૌશલ્ય જેવી સુટેવ વિકસે તેવા હેતુથી લોકભારતી લોકસેવા મહાવિદ્યાલય અને સર્વોદય સહકારી પ્રકાશન સંઘના સંયુક્ત ઉપક્રમે પ્રથમ વર્ષના વિધાર્થીઓ માટે આયોજન કરવામાં આવ્યું.
વાચન શિબિરનું ઉદઘાટન ગુજરાતી ભાષા સાહિત્ય ભવનના અધ્યક્ષ અને સર્જક એવા શ્રી મહેન્દ્રસિંહ પરમાર દ્વારા દીપ પ્રાગટ્ય સાથે થયું. ઉદ્ઘાટકીય વક્તવ્યમાં શ્રી મહેન્દ્રસિંહ પરમારે પ્રકૃતિ અને કૃતિ સંદર્ભે રસાળ શૈલીમાં કહ્યું કે આપણી પાંચેય જ્ઞાનેન્દ્રિયોને ધાર કાઢવાની ક્રિયા એટલે વાચન. વાંચવાલાયક પુસ્તકોની યાદ વણી લઈને એમણે પ્રથમ તો લોકભારતીના સંસ્થાપકો એટલે કે લોકભારતી કુળના સાહિત્ય સર્જકોના જ પુસ્તકો વિધાર્થીઓને વાચવા વિશેષ ઉપક્રમ પ્રયોજવાનું સૂચન કર્યું. ગુજરાતી ભાષાની બે વાર્તાઓ જક્ષણીઅને ખોલી નાખ નું વાચન અને આસ્વાદન કરાવીને પુસ્તકોને કદીય નિષ્ફળ ન જતા મિત્રો ગણાવ્યા.
ત્રણ દીવસ સુધી એક મહેમાન વક્તા અને બાકીના બંને સત્રમાં વિદ્યાર્થીઓએ ૧૨૫ જેટલા પસંદગી માટે રાખેલ પુસ્તકોમાંથી રસ, રુચિ પ્રમાણે પસંદ કરેલા પુસ્તકોનું વાચન થયું.સ્થાનિક વક્તાઓમાં શ્રી વિશાલભાઈ જોશી, શ્રી નીતિનભાઇ ભીંગરડીયા, શ્રી દિનુભાઈ ચુડાસમા અને અમદાવાદથી શ્રી રમેશભાઈ વિરમગામી શિબિરાર્થીઓને માર્ગદર્શન આપ્યું.
શ્રી વિશાલભાઈ જોષીએ વાચન એ કૃતિ, પ્રકૃતિ સાથે સાથે વાચકોમાં લેખકની સંવેદિક પ્રતિકૃતિ કરાવતું દર્પણ છે એમ જણાવ્યું. શ્રી રમેશભાઈ વિરમગામી એ ઉકરડીદેવી વાર્તાનો રસાસ્વાદ કરાવીને સત્ય પ્રતિષ્ઠાનના ગુણનો પરિચય કરાવ્યો.
શ્રી નીતિનભાઈ ભીંગરાડિયાએ પાશ્ચાત્ય સાહિત્યની પ્રશિષ્ટ કૃતિઓ અને હિમાલયનો પ્રવાસનો આસ્વાદ કરાવીને વાચન એ ભવ્ય રિયાસત પર વાર્તાલાપ આપ્યો. શ્રી દિનુભાઈ ચૂડાસમાએ વાચન સાથોસાથ જીવનમાં આચરણ અને અમલીકરણ કરીએ તો વાચન ને સદ્ વાચન બનાવી શકાય. વિદ્યાર્થી સંયોજક દયાબેન ટોળિયા એ સમગ્ર સત્રોનું સુચારૂ સંચાલન કર્યું. શિબિરમાંથી શું શીખ્યા એ સંદર્ભે નેહલબેન સાંબડ, માધવીબેન પરમાર, ધર્મેન્દ્રસિંહ ગોહિલ, શિવમભાઈ રાઠોડે પ્રતિભાવ પાઠવ્યા.
સર્વોદય સહકારી પ્રકાશન સંઘના શ્રી રામચંદ્રભાઈ પંચોળી એ સમાપન બેઠકમાં શિબિરની ફલશ્રુતિ વિશે રાજીપો વ્યક્ત કરતા જણાવ્યું કે પુસ્તક અને સાહિત્ય જીવનને બદલાવવાની અને વ્યક્તિત્વનું રૂપાંતરણ કે પરિવર્તન કરવાની શક્તિ છે. સર્વોદય સહકારી પ્રકાશન સંઘના મંત્રી શ્રી જગદીશભાઈ બોરીચાના સહકારથી આચાર્ય શ્રી ધીરજલાલ રાઠોડ અને કાર્યકર શ્રી રવિભાઈ ચૌહાણના સંકલનથી આ શિબિર યોજાઈ ગઈ.
---------------
હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT