
ગીર સોમનાથ, 22 માર્ચ (હિ.સ.) ગીર જંગલ વિસ્તારમાં કાળઝાળ ઉનાળાની અસર હવે ચરમસીમાએ પહોંચી ગઈ છે. વધતી ગરમીને કારણે કુદરતી પાણીના સ્ત્રોત સૂકાઈ રહ્યા છે, જેના કારણે જંગલના રાજા સિંહ સહિતના વન્યજીવો માટે જીવન મુશ્કેલ બની રહ્યું છે. આવી પરિસ્થિતિમાં વન વિભાગે તાત્કાલિક કામગીરી હાથ ધરી જીવદયાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
ગીર સોમનાથ જિલ્લો હેઠળના વેરાવળ રેન્જમાં વન વિભાગ દ્વારા વ્યાપક સ્તરે કૃત્રિમ પાણીના પોઈન્ટ ઉભા કરવામાં આવ્યા છે. ખાસ કરીને સુત્રાપાડા અને વેરાવળ તાલુકાના જંગલ વિસ્તારોમાં આ કામગીરી સક્રિય રીતે અમલમાં મૂકાઈ રહી છે.
વન વિભાગે જંગલના કુદરતી પાણીના કુંડોની સઘન સાફસફાઈ કરીને તેમાં નિયમિત પાણી ભરવાની વ્યવસ્થા પણ સુનિશ્ચિત કરી છે. કારણ કે ઉનાળામાં પાણીના અભાવે વન્યજીવો જંગલ છોડીને બહાર નીકળે છે, જે માનવ-વન્યજીવ સંઘર્ષનું મોટું કારણ બની શકે છે.
માહિતી મુજબ, વેરાવળ રેન્જમાં કુલ 8 કૃત્રિમ પાણીના પોઈન્ટ કાર્યરત કરવામાં આવ્યા છે. જેમાંથી 5 પોઈન્ટ ટેન્કર મારફતે, 2 પોઈન્ટ હેન્ડપમ્પ દ્વારા અને 1 પોઈન્ટ પવનચક્કી દ્વારા પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. આ વ્યવસ્થા સંપૂર્ણ રીતે વૈજ્ઞાનિક અને આયોજનબદ્ધ રીતે અમલમાં મૂકાઈ રહી છે.
વન વિભાગના જણાવ્યા મુજબ, આ વિસ્તારોમાં 20થી વધુ સિંહો ઉપરાંત દીપડા અને અન્ય તૃણભક્ષી પ્રાણીઓ વસવાટ કરે છે. આવા સમયમાં પાણીની ઉપલબ્ધતા તેમના જીવન માટે અત્યંત જરૂરી બની જાય છે.
વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે, “ઉનાળાની ઋતુમાં વન્યજીવોને પાણી માટે કોઈ મુશ્કેલી ન પડે અને તેઓ રેવન્યુ વિસ્તારમાં પ્રવેશ ન કરે, તે માટે આ કૃત્રિમ પાણીના પોઈન્ટ ઉભા કરવામાં આવ્યા છે.”
આ ઉપરાંત પાણીના પોઈન્ટની નિયમિત દેખરેખ માટે વિશેષ સ્ટાફની નિમણૂક પણ કરવામાં આવી છે, જે સતત મોનીટરીંગ કરી રહ્યો છે.
આ સમગ્ર કામગીરી દર્શાવે છે કે સમયસર આયોજન અને દૃઢ નિશ્ચય સાથે પ્રકૃતિ અને વન્યજીવોની સુરક્ષા શક્ય બને છે. ગીરના જંગલમાં વન વિભાગે ફરજથી આગળ વધી જીવદયાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ