
ભાવનગર, 24 માર્ચ (હિ.સ.)ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના બીલા ગામમાં એક વિશાળ અજગર જોવા મળતાં ગામમાં થોડીવાર માટે ભય અને ઉત્સુકતાનો માહોલ સર્જાયો હતો. મળતી માહિતી મુજબ, અંદાજિત 13 ફૂટ લાંબો અજગર ગામના ખેતર નજીક જોવા મળ્યો હતો. સ્થાનિક લોકોએ અજગરને જોતા જ ભયભીત થઈ તાત્કાલિક જેસર ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી.માહિતી મળતાં જ ફોરેસ્ટ વિભાગની ટીમ તરત જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
ટીમે સતર્કતા અને કાળજીપૂર્વક કામગીરી હાથ ધરી અજગરને સુરક્ષિત રીતે કાબૂમાં લીધો હતો. રેસ્ક્યુ દરમિયાન આસપાસ લોકોની ભીડ એકત્રિત થઈ હતી, પરંતુ ફોરેસ્ટ અધિકારીઓએ તમામને સુરક્ષિત અંતરે રહેવા સૂચના આપી હતી જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને.
ઉનાળાની ઋતુમાં પાણી અને ખોરાકની શોધમાં આવા સાપો વસાહત વિસ્તારમાં આવી જાય છે. તેઓએ લોકોને સમજાવ્યું કે, આવા સમયે ગભરાવાની જરૂર નથી અને તાત્કાલિક ફોરેસ્ટ વિભાગને જાણ કરવી જોઈએ.અજગરને રેસ્ક્યુ કર્યા બાદ તેને નજીકના જંગલ વિસ્તારમાં સુરક્ષિત રીતે છોડવામાં આવ્યો હતો. આ સમગ્ર કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ થતાં ગામલોકોએ ફોરેસ્ટ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ બનાવથી એકવાર ફરી પ્રકૃતિ અને માનવ વચ્ચે સંતુલન જાળવવાની જરૂરિયાત સામે આવી છે. સાથે જ વન્યજીવો પ્રત્યે સંવેદનશીલતા રાખવી અને તેમની સુરક્ષા માટે સહકાર આપવો પણ એટલો જ મહત્વનો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT