સાવરકુંડલામાં '૫૧૦૦ શ્રીફળ કીડીયારૂ અભિયાન' દ્વારા, અબોલ જીવોની સેવાનો ભગીરથ પુરુષાર્થ
અમરેલી,24 માર્ચ (હિ.સ.)ચૈત્ર નવરાત્રીના પવિત્ર અવસરે તાત્કાલિક હનુમાનજી આશ્રમ ખાતે શ્રદ્ધાળુઓ દ્વારા જીવદયાની પ્રાચીન પરંપરા ઉજવાઈ સાવરકુંડલા ભારતીય સંસ્કૃતિમાં ''જીવદયા એ જ પરમો ધર્મ'' અને ''વસુધૈવ કુટુંબકમ'' ની ભાવના વણાયેલી છે. આપણા સનાતન
સાવરકુંડલામાં '૫૧૦૦ શ્રીફળ કીડીયારૂ અભિયાન' દ્વારા અબોલ જીવોની સેવાનો ભગીરથ પુરુષાર્થ


અમરેલી,24 માર્ચ (હિ.સ.)ચૈત્ર નવરાત્રીના પવિત્ર અવસરે તાત્કાલિક હનુમાનજી આશ્રમ ખાતે શ્રદ્ધાળુઓ દ્વારા જીવદયાની પ્રાચીન પરંપરા ઉજવાઈ સાવરકુંડલા ભારતીય સંસ્કૃતિમાં 'જીવદયા એ જ પરમો ધર્મ' અને 'વસુધૈવ કુટુંબકમ' ની ભાવના વણાયેલી છે. આપણા સનાતન ધર્મમાં અબોલ જીવોની સેવાને સાક્ષાત્ નારાયણની સેવા માનવામાં આવી છે. આ જ પરંપરાને જીવંત રાખતા સાવરકુંડલાના તાત્કાલિક હનુમાનજી ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ આશ્રમ પરિવાર દ્વારા પૂજ્ય બ્રહ્મલીન સંત શ્રી રામ સુંદર દાસ બાપુના દિવ્ય આશીર્વાદથી ‘૫૧૦૦ શ્રીફળ કીડીયારૂ અભિયાન’ નું અત્યંત ભક્તિમય વાતાવરણમાં આયોજન કરવામાં આવ્યું હતું.

ચૈત્ર નવરાત્રી અને ચૈત્ર માસના પવિત્ર દિવસોમાં શુદ્ધ ગાયનું ઘી, ગોળ, સાકર તલ, સીંગદાણા,અને પંચરત્ન સમાન પાંચ પ્રકારના ધાન્યના લોટના મિશ્રણથી તૈયાર કરાયેલા શ્રીફળ ભાવિકોને પ્રસાદ રૂપે વિનામૂલ્યે અર્પણ કરવામાં આવ્યા હતા. ધર્મપ્રેમી ભાઈઓ, બહેનો અને બાળકોએ મોટી સંખ્યામાં આશ્રમ પર રૂબરૂ આવી આ સેવાકીય પ્રસાદીનો લાભ લીધો હતો. આ શ્રીફળોને પોતપોતાના ખેતર, સીમ કે નિર્જન જગ્યાએ પધરાવીને લાખો કીડીઓના જઠરાગ્નિને તૃપ્ત કરી અશ્વમેધ યજ્ઞ જેવું અનંત પુણ્ય મેળવવાનો લહાવો લીધો હતો.

શાસ્ત્રોક્ત માન્યતા મુજબ કીડીયારૂ પૂરવાથી રાહુ, કેતુ અને શનિ જેવા ગ્રહોની અશુભ દશા શાંત થાય છે અને પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. જે ઘરમાં જીવદયાનું કાર્ય થાય છે ત્યાં લક્ષ્મીનો કાયમી વાસ રહે છે તેવી અતૂટ શ્રદ્ધા સાથે સાવરકુંડલા પંથકમાં આ ભવ્ય અભિયાન સંપન્ન થયું હતું.

હજુ પણ જે ભાવિકો આ સેવા કાર્યમાં જોડાઈ શ્રીફળ રૂપી પ્રસાદી પ્રાપ્ત કરવા ઈચ્છતા હોય, તેમણે તાત્કાલિક હનુમાન આશ્રમ, ગાયત્રી મંદિર સામે, કે.કે. હાઈસ્કૂલ પાછળ, સાવરકુંડલા ખાતે સંપર્ક કરવા વિનંતી કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande