
ભાવનગર,24 માર્ચ (હિ.સ.)આજના સમયમાં લોકોમાં કુદરતી ખેતી અને ઘરમાં બગીચો બનાવવાનું વધી રહ્યું છે લોકો પોતાના ઘરમાં અગાસી ઉપર કે પછી બારીઓમાં પણ કુંડા મૂકીને નાના નાના ફૂંલ ઝાડનું વાવેતર કરતા હોય છે. ત્યારે ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં રહેતા એક પ્રેરણાદાયક પિતા-પુત્રી જોડીએ હોમ ગાર્ડનિંગ માટે ઉપયોગી એવું નવીન ઓર્ગેનિક ખાતર તૈયાર કરીને અનોખી પહેલ કરી છે.આ ખાતર બનાવવામાં ખાસ કરીને નારિયેળના છાલાનો ઉપયોગ કરવામાં આવે છે, જે સામાન્ય રીતે કચરામાં ફેંકી દેવામાં આવે છે. પરંતુ તેમણે આ બિનઉપયોગી વસ્તુને ઉપયોગી બનાવતા તેમાં નવીનતા લાવી છે.
આ છાલા ની સાથે સાથે ગાયનું છાણ,લીમડાનો ખોળ, એરંડા નો ખોળ વગેરેનો ઉપયોગ કરી ખાસ પ્રક્રિયા દ્વારા કમ્પોસ્ટમાં પરિવર્તિત કરીને એવું ઓર્ગેનિક ખાતર બનાવવામાં આવે છે, જે છોડ માટે અત્યંત લાભદાયક સાબિત થાય છે.હાલમાં તેઓ આ ખાતરનું વેચાણ ભાવનગર સહિત ગુજરાતના અનેક શહેરોમાં કરી રહ્યા છે. ખાસ કરીને હોમ ગાર્ડનિંગ કરતા લોકો આ ખાતરની ખુબ ખરીદી કરી રહ્યા છે સૌપ્રથમ તેઓએ પોતાના ઘરે જ ગાર્ડનમાં ઉપયોગ કરવા માટે આ ખાતર તૈયાર કર્યું હતું પરંતુ તેમાં ખૂબ સારું પરિણામ મળતા આજે તેઓએ વેચાણ કરવાનું પણ શરૂ કર્યું છે.
આ અંગે મહેશભાઈ મહેતાએ જણાવ્યું કે હાલ હું મહુવા શહેરમાં જ રહું છું અમારે ત્યાં રહેલા ગાર્ડનમાં ઓર્ગેનિક ખાતરની જરૂરિયાત હોવાના કારણે મારે જે ખાતર જોઈતું હતું તે મને એગ્રોમાં મળતું ન હતું. જેથી મારી દીકરીએ જણાવ્યું કે આપણે આપણી જાતે જ આ પ્રકારનું ખાતર તૈયાર કરવું જોઈએ. ત્રણ વર્ષ પહેલા આ ખાતર બનાવવાની અમે શરૂઆત કરી તેને બનાવવા માટે નારિયેળના છાલા નો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેની સાથે સાથે ગાયનું છાણ, લીમડાનો ખોળ, એરંડા નો ખોળ વગેરેનો ઉપયોગ કરીને અમે આ ખાતર તૈયાર કર્યું છે.
આ ખાતર તૈયાર થઈ ગયા બાદ સૌપ્રથમ અમે અમારા ઘરે તુલસીના ક્યારામાં અને ગાર્ડનમાં તેનો ઉપયોગ કર્યો જેમાં અમને ખૂબ સારું પરિણામ મળ્યું. જેથી તમે નક્કી કર્યું કે આપણે જે આ ઉપયોગ ખાતરનો કરીએ છીએ તેવી જ રીતે અન્ય વ્યક્તિઓ પણ આ ખાતરનો ઉપયોગ કરવી શકે તે માટે તેનું વેચાણ કરવાની શરૂઆત કરી. ખાસ કરીને જે લોકો હોમ ગાર્ડનિંગ કરે છે તેમના માટે આ ખાતર વધુ ઉપયોગી સાબિત થાય છે. એક કિલો નો ભાવ 60 રૂપિયા રહેલો છે. સાથે સાથે તેમાંથી તુલસીના ક્યારામાં રોગ કે જીવાત ન આવે તે માટેનું પણ એક સ્પેશિયલ ખાતર તૈયાર કર્યું છે તે આ તમામ વસ્તુઓનો ઉપયોગ કરીને જ તૈયાર કરવામાં આવ્યું છે. હાલ મહિને 10000 રૂપિયાથી લઈને 20,000 રૂપિયા સુધી આ ખાતરનું વેચાણ થઈ રહ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT