
ગીર સોમનાથ 22 માર્ચ (હિ.સ.) ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, યુનિટ ઇન્ડિયન રેયોન, વેરાવળ દ્વારા એક અનોખી CSR પહેલ શરૂ કરવામાં આવી છે. આ પહેલ હેઠળ, 'પુસ્તક આપી જાવ અને જરૂરિયાત હોય તેવા લઈ જાઓ' અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. વેરાવળમાં પ્રથમ વખત આ પ્રકારની પુસ્તક સંકલન ડ્રાઈવ 23 થી 28 માર્ચ, 2026 દરમિયાન યોજાશે.
આ અભિયાનનો મુખ્ય હેતુ લોકો પાસે રહેલા વણવપરાયેલા અથવા વંચાઈ ગયેલા પુસ્તકો એકત્રિત કરવાનો છે. એકત્રિત થયેલા પુસ્તકોનું યોગ્ય રીતે સોર્ટિંગ કરીને, તેને વિતરણ ડ્રાઈવ દ્વારા વાંચન ઈચ્છુક વિદ્યાર્થીઓ, બાળકો અને અન્ય વાચકો સુધી પહોંચાડવામાં આવશે.
આ પહેલનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓ અને બાળકોમાં વાંચનની આદત વધારવાનો, પુસ્તકોનું મહત્વ જાળવી રાખવાનો અને જ્ઞાનના આદાનપ્રદાનને પ્રોત્સાહન આપવાનો છે.
પુસ્તક સંકલન અભિયાન 23 થી 28 માર્ચ, 2026 સુધી દરરોજ બપોરે 2:30 થી સાંજે 5:30 વાગ્યા દરમિયાન ચાલશે. સ્થળ રાજસ્થાન મંડળ, વેલફેર સેન્ટર પાસે, નવદુર્ગા ગરબી મંડળ સામે, વેરાવળ ખાતે રાખવામાં આવ્યું છે.
ગીર સોમનાથ જિલ્લા અને વેરાવળ શહેરના પુસ્તક પ્રેમીઓને આ પુસ્તક સેવા યજ્ઞમાં ભાગ લેવા અને પુસ્તકોનું દાન કરવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. દાન કરી શકાય તેવા પુસ્તકોમાં શાળા/કોલેજના પુસ્તકો, સ્ટોરી બૂક્સ, સ્પર્ધાત્મક પરીક્ષાના પુસ્તકો, નવલકથાઓ અને મેગેઝિન વગેરેનો સમાવેશ થાય છે.
નોંધનીય છે કે ફાટેલા અથવા ઉપયોગલાયક ન હોય તેવા પુસ્તકો સ્વીકારવામાં આવશે નહીં. આ પુસ્તક સંકલન અભિયાનની વધુ માહિતી માટે 02876 - 248710 અથવા 248707 પર સંપર્ક કરવા અનિસ રાચ્છ વેરાવળ ની છે..
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ