
પોરબંદર, 22 માર્ચ (હિ.સ.) : પોરબંદર મહાનગરપાલિકા દ્વારા છાંયા વિસ્તારમાં આવેલ કે.બી. જોશી કન્યા વિદ્યાલય ખાતે યોજાયેલ સેવાસેતુ કાર્યક્રમ અંતર્ગત આરોગ્ય જાગૃતિને પ્રોત્સાહન આપવા માટે ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ પ્રસંગે 14 થી 15 વર્ષ સુધીની બાળાઓને એચ.પી.વી. (હ્યુમન પેપિલોમા વાયરસ) રસીકરણ અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ભારતમાં વધતી કેન્સરની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ દ્વારા રસીકરણ અભિયાનો ચલાવવામાં આવી રહ્યા છે. ખાસ કરીને ગર્ભાશયના મુખના કેન્સર સામે સુરક્ષા આપવા માટે એચ.પી.વી. રસી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ રસી સુરક્ષિત, અસરકારક અને નિ:શુલ્ક ઉપલબ્ધ હોવાથી તેનો લાભ વધુમાં વધુ બાળાઓ સુધી પહોંચે તે માટે મહાનગરપાલિકા દ્વારા જાગૃતિ લાવવામાં આવી રહી છે. આ કાર્યક્રમ દરમિયાન મેડિકલ ઓફિસર ડો. રાજેશ કોડિયાતર અને ડૉ. ચેતન શાસ્ત્રી સહિતની ટીમ દ્વારા બાળાઓને એચ.પી.વી. વાયરસ, તેના પ્રભાવ, રસીકરણના ફાયદા તેમજ સમયસર રસી લેવાની આવશ્યકતા અંગે સરળ ભાષામાં સમજ આપવામાં આવી હતી. બાળાઓને સમયસર રસી મુકાવવા પ્રોત્સાહિત કરે તે માટે વાલીઓ અને શિક્ષકોને આ બાબતે જાગૃત કરવામાં આવ્યા હતા.અંદાજિત 30 દીકરીઓ આ રાશી નો લાભ લીધેલ છે મહાનગરપાલિકા દ્વારા તમામ 14 થી 15 વર્ષના પાત્ર બાળાઓને નજીકના આરોગ્ય કેન્દ્ર ખાતે જઈ એચ.પી.વી. રસી અવશ્ય મુકાવવા અપીલ કરવામાં આવી છે. આ અભિયાનનો મુખ્ય હેતુ ગર્ભાશયના મુખના કેન્સર સામે રક્ષણ પૂરું પાડી ભવિષ્યમાં મહિલાઓના આરોગ્યને સુરક્ષિત બનાવવાનો છે. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા આરોગ્ય અને જનકલ્યાણ માટે આવા જાગૃતિ કાર્યક્રમો ભવિષ્યમાં આયોજિત કરવામાં આવશે, તેવું જણાવવામાં આવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya