જૂનાગઢ જિલ્લામાં સરકારી ઇમારતો પર પડતા વરસાદી પાણીને બચાવવાની રચનાત્મક પહેલ : ૩૫૨ શૈક્ષણિક, ૨૧૨ આરોગ્ય સહિતના વિભાગોની સરકારી ઇમારતો પર રૂફટોપ રેઇન વોટર હાર્વેસ્ટિંગ પ્રોજેક્ટ લગાવાયો
જૂનાગઢ, 22 માર્ચ (હિ.સ.) અહીં પડતું વરસાદી પાણી વહી નથી જતું, પરંતુ સીધું પૃથ્વીના પેટાળમાં ઉતારવામાં આવે છે ! જૂનાગઢ જળ સંરક્ષણ માટેની આગવી અને રચનાત્મક પહેલથી સેંકડો સરકારી ઇમારતોની છત પર પડતું વરસાદી પાણી ભૂગર્ભમાં ઉતારવામાં આવે છે. કેન્દ્ર
જૂનાગઢ જિલ્લામાં સરકારી ઇમારતો પર


જૂનાગઢ, 22 માર્ચ (હિ.સ.) અહીં પડતું વરસાદી પાણી વહી નથી જતું, પરંતુ સીધું પૃથ્વીના પેટાળમાં ઉતારવામાં આવે છે ! જૂનાગઢ જળ સંરક્ષણ માટેની આગવી અને રચનાત્મક પહેલથી સેંકડો સરકારી ઇમારતોની છત પર પડતું વરસાદી પાણી ભૂગર્ભમાં ઉતારવામાં આવે છે. કેન્દ્ર -રાજ્ય સરકારના જન ભાગીદારીથી જળસંચયના આ અભિયાનને સફળ બનાવવા માટે વહીવટી તંત્રના સવિશેષ પ્રયાસો સફળ થયા છે, તેમાં લોકો પણ પાણી બચાવવા માટેની ખેવના દાખવી ઉત્સાહભેર જોડાયા છે.

૨૨ માર્ચ વર્લ્ડ વોટર ડેના અવસરે સિંચાઈ યોજના વિભાગના કાર્યપાલક ઇજનેર શ્રી એમ.એમ. પાંચા જણાવે છે કે, કેન્દ્ર રાજ્ય સરકારના જળ સંરક્ષણ માટેના અભિયાનો અને યોજનાઓને ધરાતલ પર સફળ બનાવવા માટે જિલ્લા કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં અનેકવિધ જળસંચયના કાર્યો થયા છે.

આકાશી અમૃત રૂપ અને માનવીય જીવનની મૂળભૂત જરૂરિયાત પાણીને બચાવવાના સંદર્ભમાં કહ્યું કે, વિશ્વભરમાં ઘણું પાણી ઉપલબ્ધ છે પરંતુ તેમાંથી પીવા પીવાલાયક ખૂબ જ જૂજ માત્રામાં છે. ત્યારે જિલ્લામાં જનભાગીદારીથી જળસંચય અભિયાન અંતર્ગત જુદા જુદા વિભાગની સરકારી ઇમારતો પર પડતા વરસાદી પાણીને રેઇન વોટર હાર્વેસ્ટિંગ પ્રોજેક્ટના માધ્યમથી સીધો જ જમીનમાં ઉતારવામાં આવે છે.

તેમણે જણાવ્યું કે, પ્રાથમિક, માધ્યમિક વગેરે શાળાના ૩૫૨ જેટલા શૈક્ષણિક બિલ્ડીંગ, જિલ્લાના સામુહિક, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સહિતના આરોગ્ય વિભાગના ૨૧૨ સરકારી ઇમારતો અને ૧૩૨ ખાનગી હોસ્પિટલના બિલ્ડિંગ ઉપરાંત સિંચાઈ વિભાગના ૯ જેટલા બિલ્ડિંગમાં રૂફટોપ રેઇન વોટર હાર્વેસ્ટિંગ પ્રોજેક્ટ લગાવવામાં આવ્યો છે.

તાલુકા કક્ષાએ પણ તાલુકા પંચાયત, મામલતદાર ઓફિસ, ગ્રામ પંચાયતો, ઉપરાંત વહીવટી તંત્રના પ્રયાસોથી લોકોને પણ પોતાના મકાનની છત દ્વારા વરસાદી પાણી બચાવવા માટે પ્રેરિત કરવામાં આવ્યા છે, એમ કુલ ૧૯૯૯ જેટલા વરસાદી પાણીને બચાવવા માટેના કામ થયા છે. જિલ્લાની ૭ નગરપાલિકાઓમાં પણ ૧૦૩૯ રેઈન વોટર હાર્વેસ્ટિંગના કામો થયા છે.

તેમણે જણાવ્યું કે, વરસાદી પાણીના સંગ્રહ કરવા માટે વરસાદી પાણી જે છત ઉપર પડે છે તેને પીવીસી પાઇપ વડે નીચે ઉતારવામાં આવે છે, અને તેનું કનેક્શન ભૂગર્ભ ટાંકા, બોરવેલ, સોક પીટ, કુવા વગેરેમાં આપવામાં આવે છે. આ સાથે વરસાદી પાણી શુદ્ધ થઈ શકે તે માટે એક વોટર ચેમ્બર પણ બનાવવામાં આવે છે. જેમાં રેતી કપચી વગેરે નાખવામાં આવે છે. જેથી શુદ્ધ થયેલું પાણી જ ભૂગર્ભમાં ઉતરે છે. આ પદ્ધતિમાં સ્થળ સ્થિતિ પ્રમાણે વખતે વત્તે ઓછે અંશે ફેરફાર પણ હોય છે.

તેમણે ઉમેર્યું કે, યુનાઇટેડ નેશન્સના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સમાં સ્વચ્છ પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવાનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, કેન્દ્ર રાજ્ય સરકારે જળ શક્તિ અભિયાન : કેઇચ ધ રેઇન, ભાગીદારીથી જળસંચય, સુજલામ સુફલામ સહિતના અભિયાનો દ્વારા આ દિશામાં મહત્વપૂર્ણ કદમો લીધા છે. સાથે જ લોકોએ પણ તેમાં જોડાવું જરૂરી છે અને જનભાગીદારીથી જ આ અભિયાન ખરા રૂપમાં ચરિતાર્થ થતા હોય છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande