


પોરબંદર, 22 માર્ચ (હિ.સ.) : ગુજરાત સરકાર દ્વારા પોરબંદર શહેરના પાણી પુરવઠા વ્યવસ્થાને વધુ મજબૂત, સુવ્યવસ્થિત અને આધુનિક બનાવવા દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. અમૃત 2.0 યોજના તથા ‘નલ સે જલ’ અભિયાન અંતર્ગત રૂ.158.44 કરોડના ખર્ચે પોરબંદર વોટર સપ્લાય પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત રાજ્યના મુખ્યમંત્રીની વર્ચ્યુઅલ અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.
આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ હેઠળ શહેરમાં પાણી પુરવઠાની ક્ષમતા વધારવા તથા વિતરણ વ્યવસ્થાને સુદ્રઢ બનાવવા માટે પાંચ ઉચ્ચ સ્તરની પાણીની ટાંકી (ઓવરહેડ ટાંકી), નવ નવા સમ્પ (સંગ્રહ ટાંકા) તેમજ આશરે 320 કિલોમીટર લાંબી મુખ્ય પાઈપલાઈન (ડેમથી ફિલ્ટર પ્લાન્ટ અને વિતરણ નેટવર્ક)નું નિર્માણ તથા હાલની પાઈપલાઈન નેટવર્કનું અપગ્રેડેશન કરવામાં આવશે. આ પ્રોજેક્ટના અમલ બાદ શહેરમાં દૈનિક પાણી વિતરણ વ્યવસ્થા વધુ કાર્યક્ષમ બનશે, પાણીનો દબાણ સમાન રહેશે, અને પુરવઠામાં થતી અનિયમિતતાઓ દૂર થશે. જેથી અંદાજે ત્રણ લાખથી વધુ નાગરિકોને નિયમિત, સ્વચ્છ અને પૂરતું પીવાનું પાણી ઉપલબ્ધ થશે, અને નાગરિકોના જીવન સ્તરમાં ગુણાત્મક સુધારો થશે. પ્રોજેક્ટ અંતર્ગત આધુનિક ટેક્નોલોજી આધારિત પાણી પુરવઠા સુવિધાઓનો વિકાસ કરવામાં આવશે, જેમાં વિતરણ નેટવર્કમાં સુધારણા અને વિસ્તરણ, લીકેજ ઘટાડવા માટેની વ્યવસ્થા, સતત અને સમાન પાણી પુરવઠા માટે નવી વ્યવસ્થાઓ તેમજ પાણીની ગુણવત્તા જાળવવા માટે વિશેષ ધ્યાન આપવામાં આવશે. આ પહેલથી શહેરમાં પાણી સંબંધિત લાંબા ગાળાના પ્રશ્નોનું નિરાકરણ થશે અને પોરબંદરના સર્વાંગી વિકાસને નવી ગતિ મળશે.
પોરબંદર શહેરમાં યોજાયેલ તાજાવાલા હોલ ખાતે જિલ્લાના વિકાસલક્ષી કામોના લોકાર્પણ તથા ખાતમુહૂર્ત પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં આ મહત્વના વોટર સપ્લાય પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરાવ્યું છે. જે પૂર્ણ થયા બાદ લોકોને ખૂબ જ ઉપયોગી નીવડશે. આ પ્રસંગે વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુ બોખીરીયા, જિલ્લા કલેક્ટર એસ. ડી. ધાનાણી, જિલ્લા વિકાસ અધિકારી બી.બી. ચૌધરી, મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિ, નિવાસી અધિક કલેકટર રેખાબા સરવૈયા, ડીસીએફ અરુણ કુમાર, ડીસીએફ ચિરાગ ચાંદગુડે, જિલ્લા ભાજપ પ્રભારી ડૉ. વિમલ કગથરા, જિલ્લા ભાજપ પ્રમુખ ચેતનાબેન તિવારી, મહામંત્રી સર્વ પ્રવીણભાઈ ખોરવા, પ્રવીણભાઈ ઓડેદરા, રાજેશભાઈ કરગઠીયા, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ રમેશભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખશ્રી સાગરભાઇ મોદી સહિતના મહાનુભાવો તેમજ બહોળી સંખ્યામાં જિલ્લાના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya