જામનગરમાં વિશ્વ ચકલી દિવસ નિમિત્તે નવાનગર નેચર કલબ દ્વારા પક્ષીઓ માટે માળા અને કુંડાનું વિતરણ
જામનગર, 22 માર્ચ (હિ.સ.) : પર્યાવરણ સંરક્ષણ અને જીવદયાના ક્ષેત્રે છેલ્લા 17 વર્ષથી કાર્યરત જામનગરની સુપ્રસિદ્ધ સંસ્થા ''નવાનગર નેચર ક્લબ'' દ્વારા તા. 20 માર્ચ, ''વિશ્વ ચકલી દિવસ'' નિમિત્તે અબોલ પક્ષીઓના રક્ષણ માટે સેવાકીય અને જનજાગૃતિલક્ષી કા
વિશ્વ ચકલી દિવસ


જામનગર, 22 માર્ચ (હિ.સ.) : પર્યાવરણ સંરક્ષણ અને જીવદયાના ક્ષેત્રે છેલ્લા 17 વર્ષથી કાર્યરત જામનગરની સુપ્રસિદ્ધ સંસ્થા 'નવાનગર નેચર ક્લબ' દ્વારા તા. 20 માર્ચ, 'વિશ્વ ચકલી દિવસ' નિમિત્તે અબોલ પક્ષીઓના રક્ષણ માટે સેવાકીય અને જનજાગૃતિલક્ષી કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

શહેરના ગુલાબનગર રોડ પર આવેલા સ્ટાર લાઈટ પાર્ટી પ્લોટ ખાતે પક્ષીપ્રેમી જનતા માટે ચકલીના માળા તેમજ ઉનાળાની કાળઝાળ ગરમીમાં પક્ષીઓ તરસ્યા ન રહે તે માટે પાણી પીવાના માટીના કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. જામનગરની પક્ષીપ્રેમી જનતાએ આ સેવાનો બહોળી સંખ્યામાં લાભ લીધો હતો.

આ અભિયાનના ભાગરૂપે શહેરની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ માટે 'ચકલીના માળા બનાવવાની સ્પર્ધા' તથા 'ચકલીના ચિત્રોની સ્પર્ધા' યોજાઈ હતી. જેમાં જામનગરની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ ખૂબ જ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.બાળકોએ કુદરતી સામગ્રીમાંથી સુંદર માળા તૈયાર કર્યા હતા અને ચિત્રો દ્વારા પક્ષી બચાવવાનો પ્રેરણાદાયી સંદેશ પાઠવ્યો હતો.

સંસ્થાના પ્રમુખ વિજયસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, પ્રકૃતિના સંતુલન માટે ચકલીઓનું જતન કરવું અનિવાર્ય છે. આજના કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય જનતામાં પક્ષીઓ પ્રત્યે સંવેદના જગાડવાનો અને નવી પેઢીને પ્રકૃતિ સાથે જોડવાનો હતો, જેમાં અમને અભૂતપૂર્વ સફળતા મળી છે.

આ ભગીરથ કાર્યને સફળ બનાવવા માટે નવાનગર નેચર ક્લબના સભ્યો સભ્ય ઉમેશ થાનકી, મિતેષ બુદ્ધભટ્ટી, દિનેશભાઈ રબારી, વનરાજસિંહ ચૌહાણ, ધર્મેશ પટેલ, ધર્મેશ આજા, પ્રવિણસિંહ જાડેજા તથા વોર્ડ નં.11ના પ્રભારી ભરતસિંહ જાડેજા, સુભાષ ગંઢા તથા આ પ્રોજેક્ટના પ્રોજેક્ટ ચેરમેન જયદીપ આલએ જહેમત ઉઠાવી હતી સ્વયંસેવકોએ ભારે જહેમત ઉઠાવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande