
પાટણ, 22 માર્ચ (હિ.સ.) : પાટણ જિલ્લાના વામૈયા ગામે 23 તારીખે યોજાનાર ક્ષત્રિય સમાજનું ‘ઠાકોર દરબાર સ્વાભિમાન સંમેલન’ હાલ પૂરતું મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો છે. સિદ્ધપુર તાલુકાના હિસોર ગામે સમાજના આગેવાનો અને શ્રેષ્ઠીઓની બેઠકમાં સર્વાનુમતે આ નિર્ણય લેવાયો હતો. હવે નવી તારીખ, સ્થળ અને રણનીતિ સાથે કાર્યક્રમ જાહેર કરવામાં આવશે.
યુવા ક્ષત્રિય સેના ગુજરાતના અધ્યક્ષ અભિજિત બારડે જણાવ્યું હતું કે, 18 યુવાનો જેલમુક્ત થયા બાદ આભારવિધિ અને સ્નેહ મિલન સાથે સંમેલન યોજાશે. તેમણે સ્પષ્ટ કર્યું કે આ લડત કોઈ ચોક્કસ સમાજ કે સમગ્ર પોલીસ તંત્ર સામે નહીં, પરંતુ ઘટના સાથે સંકળાયેલા નિશ્ચિત કર્મચારીઓ સામે હતી.
સમાજ દ્વારા સોશિયલ મીડિયામાં શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી છે. કોઈને ટ્રોલ ન કરવા અને નકારાત્મક ટિપ્પણીઓથી દૂર રહેવા અનુરોધ કર્યો છે. તમામ આગેવાનો અને અધિકારીઓના સંકલનથી લેવાયેલા આ નિર્ણયને સ્વીકારી લડતને યોગ્ય દિશામાં આગળ વધારવા આહવાન કરવામાં આવ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ