
પાટણ, 22 માર્ચ (હિ.સ.)પાટણ તાલુકાના ચંદ્રુમાણા ખાતે ગૌરી માતાના સાંનિધ્યમાં મહેસાણાની દિવ્ય જ્યોત શરાફી સહકારી મંડળીની કારોબારી બેઠક શનિવારે રાત્રે યોજાઈ હતી. ચેરમેન અશ્વિનભાઈ યાજ્ઞિકના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં અગાઉની બેઠકનું પ્રોસીડિંગ વાંચીને ફેબ્રુઆરી માસના હિસાબોને મંજૂરી આપવામાં આવી હતી.
આ બેઠકમાં પાંચ નવી લોન અરજીઓ મંજૂર કરવામાં આવી હતી અને ધિરાણ વસૂલાત સઘન બનાવવા પર ભાર મૂકાયો હતો. ચેરમેન દ્વારા મુદ્દલ રકમ સાથે વ્યાજની નિયમિત વસૂલાત થાય તે માટે ખાસ પ્રયત્નો કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો, જેથી ડિવિડન્ડ ચૂકવવામાં સરળતા રહે.
સંસ્થાના ડિરેક્ટર સુરેશભાઈ વ્યાસે 1994થી કાર્યરત સોસાયટીનો પરિચય આપતા જણાવ્યું હતું કે સંસ્થા બ્રાહ્મણ સમાજના પરિવારોને આર્થિક સહાયરૂપ બની રહી છે અને સમાજમાં સંગઠન ભાવના મજબૂત બનાવવામાં સફળ રહી છે.
બેઠકમાં સંસ્થાના કારોબારી સભ્યો અને ગૌરી માતા દેવસ્થાન ટ્રસ્ટના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગામના આગેવાનો દ્વારા ચંદ્રુમાણા ગામના ઐતિહાસિક મહત્વ અને ગૌરી માતાના પ્રાગટ્ય વિશે માહિતી આપવામાં આવી હતી, જેના બદલ ચેરમેનએ ટ્રસ્ટીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ