
પોરબંદર, 22 માર્ચ (હિ.સ.) : પોરબંદર જિલ્લાના માધવપુર ગામ ખાતે આગામી તા.27/03/2026 થી તા.31/03/2026 સુધી માધવરાયજી અને રૂક્ષ્મણીજીના લગ્ન પ્રસંગની ઉજવણી પ્રસંગે યોજાનાર માધવપુરના મેળામાં વાહન વ્યવહાર તેમજ કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે ટ્રાફીક વ્યવસ્થા તેમજ કાયદો વ્યવસ્થા જળવાઇ રહે તે માટે પોરબંદર જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ રેખાબા સરવૈયા દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ-1951 ની કલમ-33(1)(ખ) અન્વયે આવક-જાવક માટે તા.27/03/2026 થી તા.31/03/2026 ના 24/00 કલાક સુધી ટ્રાફીક નિયમન કરવા ફરમાવતુ જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યુ છે.
જાહેરનામાં અનુસાર માંગરોળ તરફથી આવતા તમામ વાહનો આંત્રોલી ગામથી આજક, વાડલા ફાટક થઇ મેખડી, સામરડા, સરમા, ઘોડાદર, બગસરા, કડછ થી મોચા થઈ નેશનલ હાઇવે પર જવાનું રહેશે. પોરબંદર તરફથી આવતા તમામ વાહનો મોચા ગામથી કડછ, બગસરા, ઘોડાદર, સરમા, સામરડા, મેખડી, વાડલાફાટક થઇ આજક, આંત્રોલી હાઇવે રોડ પર જવાનું રહેશે.
સરકારી ફરજ પરના અને કારપાસ વાળા વાહનો, સરકારી વાહનો, એસ.ટી.બસો, મેળામાં જતા નાના વાહનો, એમ્બ્યુલન્સ જેવા વાહનોને આ જાહેરનામાનો પ્રતિબંધ લાગુ પડશે નહી.
આ જાહેરનામા અન્વયે હેડ કોન્સ્ટેબલ તથા તેનાથી ઉપરના દરજ્જાના પોરબંદર જિલ્લાના પોલીસ અધિકારીઓને જાહેરનામાં ભંગ કરનારા ઈસમો સામે ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે. આ જાહેરનામાનો ભંગ કરનારા વ્યક્તિ ગુજરાત પોલિસ અધિનિયમ – 1951 ની કલમ –131હેઠળ સજાને પાત્ર ઠરશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya