
ગાંધીનગર, 22 માર્ચ (હિ.સ.) : કહેવાય છે કે તરસ લાગે ત્યારે કૂવો ખોદવા ન બેસાય, પરંતુ જો સમય રહેતા જળનું જતન કરવામાં આવે તો ભવિષ્યની પેઢીને ક્યારેય તરસ્યા રહેવાનો વારો આવતો નથી. પૃથ્વીના હૃદયના ધબકાર સમાન પાણી એ માત્ર બે અક્ષરનો શબ્દ નથી, પણ કરોડો જીવોના અસ્તિત્વનો આધાર છે. જ્યારે એક નાનકડું બાળક માટીમાં રમતા-રમતા પાણી માંગે છે, કે જ્યારે ધોમધખતા તાપમાં કોઈ વટેમાર્ગુને પરબનું ઠંડું પાણી મળે છે, ત્યારે એ પાણીના દરેક ટીપામાં ઈશ્વરનો આશીર્વાદ અનુભવાય છે. ટીપે ટીપે સરોવર ભરાય એ માત્ર કહેવત નથી, પણ જળ સંરક્ષણનો મૂળમંત્ર છે. આ જ ભાવનાને સાર્થક કરવા માટે ગુજરાત સરકાર દ્વારા 'સુજલામ સુફલામ જળ અભિયાન' જેવી પંચવર્ષીય યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે, જે અંતર્ગત વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે ચેકડેમ, તળાવો ઊંડા કરવા અને નદીઓના પુનઃજીવીકરણ પર ભાર મૂકવામાં આવે છે.
પાણીના આ અસીમ મહત્વને સમજવા અને તેના બચાવ માટે લોકોને પ્રેરિત કરવાના હેતુથી દર વર્ષે ૨૨ માર્ચના રોજ ‘વિશ્વ જળ દિવસ’ ઉજવવામાં આવે છે. વર્ષ ૧૯૯૩થી શરૂ થયેલી આ પરંપરા આજે એક વૈશ્વિક આંદોલન બની ચૂકી છે. જેનો મુખ્ય લક્ષ્યાંક વર્ષ ૨૦૩૦ સુધીમાં દરેક નાગરિકને શુદ્ધ અને સુરક્ષિત પાણી ઉપલબ્ધ કરાવવાનો છે.
ગુજરાતની ગૌરવગાથા: નળથી જળ સુધીની સફર
૧૫ ઓગસ્ટ ૨૦૧૯ના રોજ માનનીય વડાપ્રધાન દ્વારા ‘હર ઘર જલ’ના સંકલ્પ સાથે ‘જલ જીવન મિશન’નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ગુજરાત રાજ્યએ પોતાની કાર્યક્ષમતાનો પરિચય આપતા ઓક્ટોબર ૨૦૨૨ સુધીમાં જ રાજ્યના ખૂણેખૂણા સુધી, દરેક ગ્રામ્ય ઘર સુધી નળ વાટે શુદ્ધ પીવાનું પાણી પહોંચાડીને દેશમાં એક સીમાચિહ્નરૂપ સિદ્ધિ હાંસલ કરી છે.
જલ જીવન મિશન ૨.૦: ટકાઉ ભવિષ્યનો રોડમેપ
સરકાર હવે આ મિશનને આગામી સ્તર પર લઈ જઈ રહી છે. જલ જીવન મિશન ૨.૦ અંતર્ગત વર્ષ ૨૦૨૮ સુધીમાં પાણી પુરવઠાની વ્યવસ્થાને વધુ મજબૂત, નિયમિત અને ગુણવત્તાસભર બનાવવાનો લક્ષ્યાંક છે. આ પહેલ માત્ર પાણી પહોંચાડવા પૂરતી સીમિત નથી, પરંતુ પાણીના સ્ત્રોતોની સસ્ટેનેબિલિટી અને પાણીની શુદ્ધતા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરશે.
આપણો સંકલ્પ: જળ બચાવો, જીવન બચાવો
સરકારના અથાક પ્રયત્નો ત્યારે જ સંપૂર્ણ સફળ ગણાશે જ્યારે તેમાં પ્રત્યેક નાગરિકની ભાગીદારી હશે. આપણે સૌ આજે વિશ્વ જળ દિવસ પર પ્રતિજ્ઞા લઈએ કે,રોજિંદા વપરાશમાં પાણીનો બગાડ અટકાવીશું,વરસાદી પાણીના સંગ્રહ માટે જાગૃત બનીશું,આપણી આસપાસના જળ સ્ત્રોતોને પ્રદૂષિત થતા બચાવીશું.
યાદ રાખીએ, પાણી એ વારસામાં મળેલી મિલકત નથી, પણ આવનારી પેઢીની અમાનત છે. જો આજે આપણે પાણી બચાવીશું, તો જ આવતીકાલ સુરક્ષિત રહેશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ