
પાટણ, 22 માર્ચ (હિ.સ.) : પાટણ જિલ્લાના ચંદ્રુમાણા ગામે ચૈત્રી નવરાત્રી દરમિયાન શનિવારે રાત્રે શિયોજ, વિહત અને મેલડી માતાજીનો માંડવા ઉત્સવ ભવ્ય રીતે યોજાયો હતો. આ આયોજન સોમાભાઈ ભગાભાઈ ખટાણા યજમાન પદે અને વડવાઓ દ્વારા સ્થાપિત માતાજીના સ્થાનકે કરવામાં આવ્યું હતું, જેમાં ગામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ઉત્સવમાં વિહત માતાના ભુવાજી મફાભાઈ વેલાભાઈ દેસાઈ, રાજુભાઈ મફાભાઈ દેસાઈ, વીરા વસાની સિકોતર માતાના હાર્દિકભાઈ અને જયરામભાઈ, તેમજ ઈન્દ્રોડાના ગફુરભાઈ અને સેલાવીના બાબુભાઈ સહિત અનેક ભુવાજીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ભક્તોને વ્યસનોથી દૂર રહેવા અને શિક્ષણનો વ્યાપ વધારવા માટે આશીર્વાદ આપ્યા હતા.
આ પ્રસંગે સાણોદરડાના હીરાભાઈ ભુવાજીએ રાજુભાઈ મફાભાઈ દેસાઈનું લાલ પાઘડી પહેરાવી સન્માન કર્યું હતું. યજમાન પરિવારે પણ તમામ ભુવાજીઓને રોકડ ભેટ આપી સન્માનિત કર્યા હતા, જ્યારે ભક્તોએ માતાજીની સ્તુતિ અને ગુણગાન સાથે ધાર્મિક માહોલ નિર્માણ કર્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ