
પાટણ, 22 માર્ચ (હિ.સ.)સમી શહેરના રણાસર તળાવમાં અગમ્ય કારણોસર મોટી સંખ્યામાં માછલીઓ મૃત્યુ પામી છે, જેના કારણે તળાવમાંથી અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે. આ દુર્ગંધથી રાહદારીઓ અને સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને વિસ્તારમાં રોગચાળો ફેલાવવાનો ભય પણ ઉભો થયો છે.
સ્થાનિક લોકોમાં આ ઘટનાને લઈને ચિંતા વધી રહી છે અને તેઓ તાત્કાલિક પગલાં લેવા માટે માંગ કરી રહ્યા છે. દુર્ગંધ દૂર દૂર સુધી ફેલાતા પર્યાવરણ અને જાહેર આરોગ્ય પર નકારાત્મક અસર થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ મામલે સમી ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે તેમને આ અંગે કોઈ જાણકારી નથી અને ગ્રામજનો દ્વારા પણ કોઈ માહિતી આપવામાં આવી નથી. સ્થાનિકોએ મૃત માછલીઓનો વહેલી તકે નિકાલ કરવામાં આવે તેવી માંગ ઉઠાવી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ