
પાટણ, 22 માર્ચ (હિ.સ.) : સિદ્ધપુરમાં હિંદુ નવ વર્ષ (વર્ષ પ્રતિપદા) નિમિત્તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) દ્વારા પથ સંચલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંચલનમાં 100થી વધુ સ્વયંસેવકો પૂર્ણ ગણવેશમાં જોડાયા હતા અને સમગ્ર શહેરમાં શિસ્તબદ્ધ રીતે ભ્રમણ કર્યું હતું.
આ પથ સંચલન સરસ્વતી શિશુ મંદિરથી શરૂ થઈને જુના સિનેમા રોડ, ગંજબજાર, ભાટવાડો, પથ્થરપોળ, અલવાનો ચકલો, પાસુવાદળની પોળ, મંડીબજાર અને હનુમાન ગલી સહિતના માર્ગો પરથી પસાર થયું હતું. સ્થાનિક રહીશોએ સ્વયંસેવકો પર પુષ્પવર્ષા કરીને તેમનું સ્વાગત કર્યું હતું. આશરે 3 કિલોમીટરનું અંતર પૂર્ણ કરીને સંચલન ફરીથી શરૂઆતના સ્થળે સમાપ્ત થયું હતું.
આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય સમાજમાં એકતા, અખંડિતતા અને રાષ્ટ્રભાવનાને મજબૂત બનાવવાનો હતો. સંઘ દ્વારા આવા આયોજનો દ્વારા પોતાના વિચારો સમાજના દરેક વર્ગ સુધી પહોંચાડવામાં આવે છે અને સ્વયંસેવકો દ્વારા રાષ્ટ્ર નિર્માણ માટે સતત કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ