મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વલસાડ ખાતે કચ્છી ભાનુશાલી સમાજના ઓધવ ભવનનું લોકાર્પણ કરાયું
વલસાડ, 22 માર્ચ (હિ.સ.) : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છી ભાનુશાલી મિત્ર મંડળ ટ્રસ્ટ વલસાડ દ્વારા આયોજિત સદગુરુ ભગવાન વાલરામ પ્રાગટ્ય શતાબ્દી મહોત્સવમાં ઉપસ્થિતિ આપી કચ્છી ભાનુશાલી સમાજના નવનિર્મિત મલ્ટી સ્પેશિયાલિટી હોલ ઓધવ ભવનનું લોકાર્પણ કર
Valsad


વલસાડ, 22 માર્ચ (હિ.સ.) : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છી ભાનુશાલી મિત્ર મંડળ ટ્રસ્ટ વલસાડ દ્વારા આયોજિત સદગુરુ ભગવાન વાલરામ પ્રાગટ્ય શતાબ્દી મહોત્સવમાં ઉપસ્થિતિ આપી કચ્છી ભાનુશાલી સમાજના નવનિર્મિત મલ્ટી સ્પેશિયાલિટી હોલ ઓધવ ભવનનું લોકાર્પણ કર્યું હતું. ઓધવ ભવનના નિર્માણથી સમાજના લોકોને આધુનિક સુવિધાઓ ઘરઆંગણે મળી રહેશે.

લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભગવાન વાલરામજીની 100મી જન્મજયંતિએ તેમની દિવ્ય ચેતનાને વંદન કરતાં કહ્યું હતું કે, ભાગવત કથા જ્ઞાનયજ્ઞમાં સામેલ થવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે તેથી મારી જાતને ધન્ય સમજું છું. પૂજ્ય સંત હરિદાસ મહારાજની પ્રેરણાથી આપણે ત્યાં ગુપ્તદાનનું આગવું મહત્વ છે; દાન એવું હોવું જોઈએ કે એક હાથથી દાન આપીએ તો બીજા હાથને ખબર પણ ના પડે. આપણી પ્રાચીન દાન પરંપરાને ભાનુશાલી સમાજે સાર્થક કરી છે. ભગવાન ઓધવરામજી મહારાજનું જીવન સમાજ માટે સમર્પણનું જ્વલંત ઉદાહરણ છે. ઓધવ ભવનના સૌ દાતાઓ અને કચ્છી ભાનુશાલી મિત્ર મંડળ ટ્રસ્ટને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.

મુખ્યમંત્રીએ ઉમેર્યુ હતું કે વિશ્વનેતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિકાસ ભી વિરાસત ભી નો મંત્ર આપ્યો છે. તેમણે આર્થિક પ્રગતિની સાથે સમાજના તમામ વર્ગોના કલ્યાણ તથા સામાજિક સમરસતા સાથેના વિકાસની નેમ રાખી છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 2047 સુધીમાં વિકસિત ભારતનો સંકલ્પ કર્યો છે. તેમણે વિકાસની વ્યાખ્યામાં પ્રકૃતિના સંરક્ષણ, રાષ્ટ્રપ્રેમ, જનજાગૃતિ અને ભવિષ્યની પેઢીને જોડતા નવ સંકલ્પો આપ્યા છે. આપણે આ સંક્લ્પો સાથે જોડાવું જોઈએ. પાણી બચાવો, એક પેડ મા કે નામ, કેચ ધ રેઇન, સ્વચ્છતા, વોકલ ફોર લોકલ, દેશદર્શન, પ્રાકૃતિક ખેતી, આરોગ્યપ્રદ જીવનશૈલી, યોગ અને રમતગમત જીવનનો હિસ્સો બનાવવો તેમજ ગરીબોની સહાયતા જેવા સંકલ્પોને સાકાર કરીને વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના નિર્માણમાં સૌ લોકો યોગદાન આપે તે માટે ભગવાન ઓધવરામ અને ભગવાન વાલરામ સૌને આશીર્વાદ આપતા રહેશે એવી આશા છે.

ગુરૂ ઓધવરામજીએ પણ તેમના સમયમાં સામાજિક સમરસતાનો સંદેશ આપ્યો હતો. આધ્યાત્મિકતા સાથે ધર્મપરાયણ જીવન જીવીને લોકકલ્યાણ માટે પ્રવૃતિશીલ રહેવાનો સેવાયજ્ઞ ગુરૂ ઓધવરામજીએ પ્રગટાવીને સમાજને દિવ્યપ્રેરણા પુરી પાડી છે. ગીતાજી પ્રબોધ, અંધજન ગુરૂકૂળ, સંગીત શાળા, ખેતીમાં આધુનિકરણની પ્રેરણા, ધર્માંતરણ સામે પહેલ તેમણે કરી સમાજને નવી દિશા આપી હતી.

મુખ્યમંત્રીએ ગુરુ વાલરામજીની પ્રેરણા વિશે જણાવતા કહ્યું હતું કે, સમાજના ઉત્થાનમાં માટે તેમણે છાત્રાલયો, પાઠશાળાઓ, કોલેજો, કન્યા શાળાઓની સ્થાપના માટે પ્રેરણા આપી. સનાતન ધર્મની સ્થાપના હેતું મંદિર નિર્માણ અને મંદિરોના જિર્ણોદ્વાર કરાવ્યા છે. આજે પણ પૂજ્ય વાલરામજી મહારાજની જ્ઞાન ભક્તિની સુવાસ આપણને પ્રેરણા આપી રહી છે.

વધુમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, પુજ્ય હરિદાસજી મહારાજની પ્રેરણાથી ભગવાન વાલરામજી શતાબ્દી મહોત્સવ અંતર્ગત સનાતન સંસ્કૃતિની જાગૃતિ માટે કચ્છથી લઈ મુંબઈ સુધી વિવિધ ગામોમાં ૧૫થી વધુ ઓધવ મંદિરો બનાવવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે. આ મંદિરો દ્વારા શિક્ષણ અને આરોગ્યને લગતા લોકકામોનું આયોજન થશે.

કાર્યક્રમમાં નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ મંત્રી કનુભાઈ દેસાઈ, આદિજાતિ વિકાસ, ખાદી, કુટિર અને ગ્રામ ઉદ્યોગ અને વલસાડના પ્રભારી મંત્રી નરેશભાઈ પટેલ, લોકસભા દંડક અને વલસાડ-ડાંગ સાંસદ ધવલભાઈ પટેલ, ધારાસભ્યો સર્વે ભરતભાઈ પટેલ, અરવિંદભાઈ પટેલ, જીતુભાઈ ચૌધરી, સમાજના ગુરુ હરિદાસજી મહારાજ, ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી સોનલબેન સોલંકી, વલસાડ જિલ્લા સંગઠન મંત્રી હેમંત કંસારા, વલસાડ જિલ્લા કલેક્ટર ભવ્ય વર્મા, જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોત, પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજા, કચ્છી ભાનુશાલી મિત્ર મંડળ વલસાડના પ્રમુખ કાંતિભાઈ ભદ્રા સહિત ભાનુશાલી સમાજના અગ્રણીઓ, દાતાઓ, આમંત્રિત મહેમાનો સહિત ભાનુશાલી સમાજના લોકો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande