
સુરત, 22 માર્ચ (હિ.સ.): સુરતના મજૂરા ગેટ વિસ્તારમાં આવેલી નવી સિવિલ હોસ્પિટલ નજીક રવિવારે એક અજોડ ઘટના સામે આવી હતી, જ્યારે એક યુવક અચાનક ઊંચા ઝાડ પર ચડી ગયો હતો. રસ્તા પર પસાર થતા લોકો યુવકને જોખમી સ્થિતિમાં જોઈ ભેગા થવા લાગ્યા હતા, જેના કારણે સ્થળ પર ગભરાટનો માહોલ સર્જાયો હતો.
સ્થિતિ ગંભીર બનતી જોતા તરત જ પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી અને સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને ઝાડની નીચે સેફ્ટી નેટ બિછાવી દેવાઈ હતી.
યુવકને સલામત રીતે નીચે ઉતારવા માટે ફાયર જવાનો હાઇડ્રોલિક પ્લેટફોર્મ સાથે ઉપર પહોંચ્યા હતા. પોલીસે અને ફાયર કર્મચારીઓએ યુવકને સમજાવવાનો પ્રયાસ કર્યો, છતાં તે નીચે ઉતરવા તૈયાર ન હતો, જેના કારણે બચાવ કામગીરી થોડી મુશ્કેલ બની હતી.
આખરે લાંબી મહેનત બાદ ફાયર ટીમે યુવકને કાબૂમાં લઈને સુરક્ષિત રીતે નીચે ઉતાર્યો હતો. ત્યારબાદ તેને તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. યુવક માનસિક રીતે અસ્થિર હોવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે અને તેની ઓળખ તથા ઘટનાના કારણો અંગે પોલીસ તપાસ કરી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે