
- પેટ્રોલ-ડીઝલની સપ્લાય ખોરવાતા અનેક પેટ્રોલ પંપ બંધ
- ઓઈલ કંપનીઓએ કહ્યું- 'સ્થિતિ સામાન્ય; લોકો ગભરાય નહીં'
અમદાવાદ, 23 માર્ચ (હિ.સ.) : ઈરાન અને અમેરિકા-ઈઝરાયલ વચ્ચે 24 દિવસથી ચાલી રહેલી યુદ્ધના કારણે ક્રુડ સપ્લાયને અસર પડી છે. જેની હવે ગુજરાતના પેટ્રોલ પંપના ડીલરો પર પણ અસર દેખાવા લાગી છે. અમદાવાદ: શહેરમાં ફરી એકવાર ઇંધણના પુરવઠાને લઈને મોટી સમસ્યા સર્જાઈ છે. સતત રજાઓના દિવસોને કારણે પેટ્રોલ અને ડીઝલનો પુરવઠો સમયસર ન પહોંચતા શહેરના અનેક વિસ્તારોમાં પેટ્રોલ પંપો પર લાંબી કતારો જોવા મળી રહી છે, જ્યારે કેટલાક પંપો પર વેચાણ સંપૂર્ણપણે બંધ કરી દેવાની ફરજ પડી છે.
લોકોમાં ગભરાટ જોવા મળ્યો હતો. પરિણામે, અમદાવાદ શહેરના જુદા જુદા વિસ્તારમાં પેટ્રોલ પંપ પર વાહનોની લાંબી કતારો લાગી હતી. લોકો અગમચેતીના ભાગરૂપે પોતાના વાહનોમાં પેટ્રોલ ફૂલ કરાવવા ઉમટી પડ્યા હતા. ભીડ એટલી પ્રચંડ હતી કે પેટ્રોલ પંપના કર્મચારીઓ ટૂંકા પડ્યા હતા, અને સ્થિતિને કાબૂમાં લેવા માટે પંપ માલિકના પરિવારના સભ્યોએ પણ મેદાનમાં ઉતરવું પડ્યું હતું.
બીજી તરફ, પકવાન નજીક આવેલા પંપ પર સ્ટોક ખાલી થઈ જતાં સંચાલકે વેચાણ બંધ કરી દીધું છે. રજાઓના કારણે ડેપોમાંથી સપ્લાય ન આવતા વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. કાળઝાળ ગરમીમાં એક પંપથી બીજા પંપ સુધી ભટકી રહેલા વાહનચાલકો અટવાયા છે.
સુરત અને રાજકોટમાં ડીલરોને કંપની તરફથી પેટ્રોલ-ડીઝલની સપ્લાય મળતી હતી તેમાં 50 ટકાનો કાપ મૂકી દેવામાં આવ્યો છે. કંપની તરફથી ડીલરોને મળતા પેટ્રોલ-ડીઝલની સપ્લાય ખોરવાતા સુરત, રાજકોટ સહિતના શહેરોમાં કેટલાક પંપ બંધ જોવા મળી રહ્યા છે. જો કે, પેટ્રોલ અને ડીઝલની અછત હોવાનો ડીલર દ્વારા ઈન્કાર કરવામાં આવી રહ્યો છે.
આ અંગે પેટ્રોલ પંપ એસોસિએશન અને સંચાલકોનું કહેવું છે કે, આ કોઈ કાયમી અછત નથી. રજાઓના દિવસો હોવાને કારણે સપ્લાય ચેઈનમાં થોડો વિલંબ થયો છે, જેના લીધે જથ્થો સમયસર પહોંચી શક્યો નથી. તેમણે ખાતરી આપી છે કે ટૂંક સમયમાં જ ઈંધણનો પૂરતો જથ્થો આવી જશે અને સ્થિતિ સામાન્ય થઈ જશે. ત્યાં સુધી નાગરિકોને ગભરાટમાં આવીને ખોટી અફવાઓ પર ધ્યાન ન આપવા વિનંતી કરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ