
પાટણ, 23 માર્ચ (હિ.સ.) : પાટણમાં પ્રજાપતિ જ્ઞાતિ સમાજ, શ્રી પદ્મનાભ વાડી ટ્રસ્ટ અને જન્મજયંતિ મહોત્સવ સમિતિ દ્વારા પદ્મનાભ ભગવાનની 624મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ અવસરે શોભાયાત્રા, 28 કીર્તન અને હવન સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.
સોમવારે સવારે નરસિંહ ભગવાન મંદિરમાં આરતી બાદ પદ્મનાભ પ્રભુને રથમાં બિરાજમાન કરીને શોભાયાત્રા નીકળી. યાત્રામાં નિશાન ડંકો, કળશધારી કુંવારિકાઓ, વિવિધ દેવતાઓની બગીઓ, ધજા દંડ, વેશભૂષામાં બાળકો તેમજ નાસિકના ઢોલ-ત્રાસા ગ્રુપ, બેન્ડ, ડીજે અને ઊંટલારીઓ જોડાયા હતા.
શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થયેલી યાત્રા પદ્મનાભ મંદિરે પહોંચી, જ્યાં હિંડોળા દર્શન, હવન અને રાત્રે ભજન-સત્સંગ યોજાયા. માર્ગમાં સેવા કેમ્પો ગોઠવાયા હતા અને મોટી સંખ્યામાં સમાજજનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ