
પાટણ, 23 માર્ચ (હિ.સ.) : પાટણ SOG શાખાએ ચાણસ્મા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક શખ્સને દેશી હાથબનાવટની બંદૂક સાથે ઝડપી પાડ્યો છે. ઈટોડા ગામના નેળિયામાંથી આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. SOGના પોલીસ કર્મચારીઓ ચાણસ્મા વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા, ત્યારે ઈટોડા ગામના બસ સ્ટેન્ડ પાસે બાતમી મળી કે એક વ્યક્તિ કાચા નેળિયામાં બંદૂક સાથે ફરી રહ્યો છે. આ આધારે પોલીસે બે પંચોને સાથે રાખી દરોડો પાડ્યો. દરોડા દરમિયાન ગુલમહમદ ઉર્ફે અબ્દુલ હોથભાઇ હયાભાઇ (રહે. ઈટોડા, મૂળ અમરાપુર પાટી, તા. સમી) ને ઝડપી પાડ્યો હતો. તેની પાસેમાંથી અંદાજે ₹2500 કિંમતની 4 ફૂટ 5 ઇંચ લાંબી દેશી બંદૂક મળી આવી હતી અને કોઈ પરવાનો નહોતો.
આ મામલે SOGના કોન્સ્ટેબલ ભરતજી હમીરજીએ ચાણસ્મા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આર્મ્સ એક્ટ કલમ 25(1-બી)એ અને જી.પી. એક્ટ કલમ 135 હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ PSI વિજયકુમાર પંડ્યાને સોંપી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ