


અમદાવાદ,23 માર્ચ (હિ.સ.) દર વર્ષની જેમ આ વર્ષે પણ ઓલ ઇન્ડિયા ડેમોક્રેટિક સ્ટુડન્ટસ ઓર્ગેનાઇઝેશન (AIDSO), ઓલ ઇન્ડિયા ડેમોક્રેટિક યુથ ઓર્ગેનાઈઝેશન (AIDYO) અને ઓલ ઇન્ડિયા મહિલા સાંસ્કૃતિક સંગઠન (AIMSS) દ્વારા અમદાવાદના વિવિધ વિસ્તારોમાં 23 માર્ચ- શહીદ-એ-આઝમ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુનો 96મો શહીદ દિવસ ખૂબ શાનભેર મનાવાયો.
સ્ટેડિયમ સ્વિમીંગ પૂલ, લખુડી ક્વાર્ટ્સ, ગુજરાત કોલેજ, ગુજરાત યુનિવર્સિટી, આઈ.ડી.બી.આઈ. બેંક, ભગતસિંહની પ્રતિમા (ખોખરા), કુબેરનગર, વગેરે જગ્યાએ ત્રણેય શહીદોના ફોટાને પુષ્પો અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. ભગતસિંહની ક્રાંતિકારી શેર-શાયરી તથા મેરા રંગ દે બસંતી ચોલા, ડંકો વાગ્યો લડવૈયા શૂરા જાગજો, વગેરે ક્રાંતીગીતો ઠેર ઠેર ગાવામાં આવ્યા હતા. ભગતસિંહના લેખો અને પત્રો વિશે ચર્ચા તથા ઈન્કિલાબ ઝિંદાબાદના નારા પોકારવામાં આવ્યા હતા.
વિદ્યાર્થીઓ, યુવાનો, મહિલાઓ, મજદૂરો, સ્થાનિક લોકો, રસ્તેથી પસાર થતા સામાન્ય લોકો ખૂબ ઉત્સાહથી ક્રાંતિકારી ભાવના સાથે આ કાર્યક્રમોમાં જોડાયા હતા.
જયેશ પટેલે પોતાના વક્તવ્યમાં વિદ્યાર્થીઓ-યુવાનોને, ભગતસિંહના સપનાંના શોષણવિહિન આઝાદ ભારતની રચના કરવા માટે વૈચારિક રીતે સંગઠિત થવા અપીલ કરી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ