
મહેસાણા, 23 માર્ચ (હિ.સ.) : અંબાજીમાં ભાદરવી પૂનમના મેળા જેવું જ મહત્વ મહેસાણા જિલ્લાના બહુચરાજી ખાતે ઉજવાતા ચૈત્રી પૂનમના મેળાને પણ છે. દર વર્ષે ચૈત્ર મહિનામાં લાખો ભક્તો મા બાલા ત્રિપુરા સુંદરીના દર્શન માટે દૂર દૂરથી અહીં ઉમટી પડે છે. ગાયકવાડ શાસનકાળમાં નિર્મિત આ ઐતિહાસિક મંદિરે દર વર્ષે ભવ્ય મેળાનું આયોજન થાય છે, જે હવે શરૂ થવાનો છે. દર્શનાર્થીઓની મોટી સંખ્યાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા પૂર્વ તૈયારીઓ તેજ કરવામાં આવી છે. રોડની બાજુમાં થતી ગંદકીના નિવારણ અને સફાઈ માટે જિલ્લા કો-ઓર્ડિનેટર, તાલુકા વિકાસ અધિકારી અને SBM સ્ટાફની બેઠક યોજાઈ હતી. બેઠકમાં નિયમિત સફાઈ, કચરા સંકલન અને સ્વચ્છતા જાળવવા માટે જરૂરી પગલાં અંગે ચર્ચા કરવામાં આવી હતી.
આ ઉપરાંત મેળા દરમિયાન ભક્તોને આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે મેડિકલ કેમ્પ અને તાત્કાલિક સારવારની સુવિધાઓ પણ ઉભી કરવામાં આવી રહી છે. વિવિધ સ્થળોએ મેડિકલ ટીમો તૈનાત રહેશે જેથી કોઈ પણ આપત્તિની સ્થિતિમાં તરત સારવાર મળી શકે. આ આયોજનથી ભક્તોને સુવિધા અને સુરક્ષા બંને મળે તેમજ સ્વચ્છ વાતાવરણમાં દર્શનનો લાભ લઈ શકે તેવો તંત્રનો હેતુ વ્યક્ત કરવામાં આવ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR