
મહેસાણા, 23 માર્ચ (હિ.સ.) સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી હેઠળના બીજ મસાલા સંશોધન કેન્દ્ર, જગુદણ દ્વારા પાટણ અને મહેસાણા જિલ્લાના ખેડૂતો માટે રાજસ્થાનનો 7 દિવસીય પ્રેરણા પ્રવાસ યોજાયો હતો. આ પ્રવાસ એગ્રીકલ્ચર ડેમોસ્ટ્રેશન્સ ઓન ફાર્મ એન્ડ ઓન ફાર્મર્સ ફિલ્ડ પ્રોજેક્ટ અંતર્ગત યોજાયો હતો, જેમાં ખેડૂતોને આધુનિક ખેતી પદ્ધતિઓ અને નવી ટેકનોલોજી વિશે માર્ગદર્શન આપવાનો મુખ્ય હેતુ રહ્યો હતો.
પ્રવાસ દરમિયાન આશરે 50 જેટલા ખેડૂતોને રાજસ્થાનની વિવિધ કૃષિ યુનિવર્સિટીઓ, કૃષિ વિજ્ઞાન કેન્દ્રો અને પ્રાકૃતિક ખેતીના મોડલ ફાર્મની મુલાકાત કરાવવામાં આવી હતી. અહીં ખેડૂતોને સૂક્ષ્મ પિયત પદ્ધતિ, બાગાયતી ખેતી તેમજ પાકોના મૂલ્યવર્ધન અંગે પ્રાયોગિક જ્ઞાન મળ્યું હતું. ખાસ કરીને કેવિકે-બાડમેર, જોધપુર કૃષિ યુનિવર્સિટી, કાઝરી, અટારી-જોધપુર અને અજમેર સ્થિત નેશનલ રિસર્ચ સેન્ટર ઓન સીડ સ્પાયસીસ ખાતે તકનીકી માહિતી આપવામાં આવી હતી.
આ પ્રેરણા પ્રવાસનું આયોજન ડો. પી. જે. પટેલના માર્ગદર્શન હેઠળ અને ડો. જે. એચ. ચૌધરીના સંકલનથી કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ડો. અક્ષય કટારા સહિતના નિષ્ણાતો અને ખેડૂતો ઉત્સાહભેર જોડાયા હતા. આ પ્રવાસથી ખેડૂતોને નવી તકનીકો અપનાવી આવક વધારવામાં મદદ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR