

મહેસાણા, 23 માર્ચ (હિ.સ.) : અંબાજી અને બહુચરાજી બાદ હવે મહેસાણા જિલ્લાના લાડોલ સ્થિત મા હરસિદ્ધિ ધામમાં પણ સુવર્ણ પરંપરાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ઉત્તર ગુજરાતના સુપ્રસિદ્ધ શક્તિપીઠોમાં ગણાતા આ મંદિરે ટૂંક સમયમાં માતાજીને સુવર્ણ થાળમાં રાજભોગ ધરાવવાની ભવ્ય શરૂઆત કરવામાં આવશે. માતાજી પ્રત્યેની અતૂટ શ્રદ્ધા અને દાતાઓના સહયોગથી અંદાજે ₹1.25 કરોડના ખર્ચે આ વિશિષ્ટ સુવર્ણ થાળ તૈયાર કરવામાં આવ્યો છે. આ થાળ માત્ર તેની ભવ્યતા માટે જ નહીં પરંતુ તેની પાછળ રહેલી ભક્તોની આસ્થાનું પ્રતીક બની રહ્યો છે. તેની કલાત્મક રચના અને ઝગમગાટી ભક્તોને આકર્ષિત કરશે.
આ નવી પરંપરાનો પ્રારંભ ચૈત્રી વદ આઠમના પવિત્ર દિવસે કરવામાં આવશે. આ દિવસે પ્રથમ વખત મા હરસિદ્ધિને સુવર્ણ થાળમાં રાજભોગ ધરાવી વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવશે. અત્યાર સુધી આવી પરંપરા માત્ર મોટા શક્તિપીઠોમાં જ જોવા મળતી હતી, પરંતુ હવે લાડોલમાં પણ આ અનોખી પરંપરા શરૂ થવાથી મંદિરનું મહત્વ વધુ વધશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR