
ભાવનગર, 23 માર્ચ (હિ.સ.) : ભાવનગર શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા સતત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. “સ્વચ્છ ભાવનગર, સુંદર ભાવનગર” અભિયાન અંતર્ગત આજે ઉત્તર સરદારનગર-તરસમીયા વોર્ડ વિસ્તારમાં મોબાઇલ કોર્ટ દ્વારા વિશેષ ચેકિંગ ડ્રાઇવ યોજવામાં આવી હતી.
આ કાર્યવાહી દરમિયાન પ્લાસ્ટિકનો ગેરકાયદેસર ઉપયોગ કરતા, જાહેરમાં ગંદકી ફેલાવતા તેમજ ન્યૂસન્સ સર્જતા લોકો સામે કડક પગલાં લેવામાં આવ્યા હતા. ટીમ દ્વારા વિસ્તૃત તપાસ દરમિયાન કુલ ૮૫ આસામીઓ ઝડપાયા હતા, જેમની પાસેથી સ્થળ પર જ રૂ. ૪૩૦૦નો દંડ વસૂલવામાં આવ્યો હતો. મોબાઇલ કોર્ટની આ કાર્યવાહીનો મુખ્ય હેતુ નાગરિકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવાનો અને શહેરમાં સ્વચ્છતા જાળવવાની ફરજ વિશે સમજણ ઉભી કરવાની છે. ખાસ કરીને સિંગલ યુઝ પ્લાસ્ટિકના વધતા ઉપયોગને કારણે પર્યાવરણને થતી હાનિ ધ્યાનમાં રાખીને આ મુદ્દે વધુ સખતાઈ દાખવવામાં આવી રહી છે.
શહેરને સ્વચ્છ રાખવાની જવાબદારી માત્ર તંત્રની નહીં પરંતુ દરેક નાગરિકની છે. જો લોકો સહકાર આપશે તો જ “સ્વચ્છ ભાવનગર”નો સંકલ્પ સાકાર થઈ શકશે. આવી કામગીરીઓ દ્વારા લોકોને નિયમોનું પાલન કરવા પ્રોત્સાહન મળે છે અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં ઘટાડો થાય છે.
સ્થાનિક લોકોમાં પણ આ કામગીરી અંગે સકારાત્મક પ્રતિસાદ જોવા મળ્યો હતો. ઘણા નાગરિકોએ આ પગલાંને આવકારતા જણાવ્યું કે આવા દંડથી લોકોમાં શિસ્ત આવે છે અને જાહેર સ્થળોની સફાઈ જળવાય છે.મહાનગરપાલિકાએ નાગરિકોને અનુરોધ કર્યો છે કે તેઓ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળે, કચરો નિર્ધારિત સ્થળે જ નાંખે અને શહેરને સ્વચ્છ રાખવામાં સહભાગી બને. ભવિષ્યમાં પણ આવી કાર્યવાહી વધુ કડક બનાવવામાં આવશે તેવી ચેતવણી આપવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT